કેન્દ્ર સરકારે દેશમાં ચાલતી યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ સિસ્ટમને આર્થિક રીતે વધુ મજબૂત અને ટકાવી રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા નવા સુધારા વિધેયક (ટેક્સેશન એન્ડ અધર લોઝ એમેન્ડમેન્ટ બિલ) હેઠળ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાંથી 'ઝીરો એમડીઆર' ના નિયમમાં ફેરફાર કરવાનો રસ્તો સાફ થયો છે. આ અંતર્ગત રૂ. ૨,૦૦૦થી વધુ મૂલ્યના વ્યાપારી યુપીઆઈ વ્યવહારો પર 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' ચાર્જ લેવાની જોગવાઈ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.એમડીઆર એવો સર્વિસ ચાર્જ છે જે વેપારીઓ દ્વારા બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને ડિજિટલ પેમેન્ટ સેવાઓનો ઉપયોગ કરવા બદલ ચૂકવવામાં આવે છે.આંકડા દર્શાવે છે કે દેશમાં થતા કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાંથી માત્ર ૫% ટ્રાન્ઝેક્શન જ રૂ. ૨,૦૦૦થી વધુ મૂલ્યના હોય છે, પરંતુ રકમની દ્રષ્ટિએ આ ૫% વ્યવહારો કુલ મૂલ્યના ૬૫% હિસ્સો ધરાવે છે. આથી ૯૫% સામાન્ય અને દૈનિક વ્યવહારો આ ચાર્જથી સંપૂર્ણ મુક્ત રહેશે.