રાજકોટ ગોંડલ હાઇવે પર સૌરાષ્ટ્ર હોટેલ પાસે ૮૬ હજારના ગાંજા સાથે મહિલા કેરીયર ઝડપાઇ

  • June 17, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના ગોંડલ રોડ હાઇવે પર આવેલી સૌરાષ્ટ્ર હોટેલ નજીકથી શાપર વેરાવળ પોલીસની ટીમે રીક્ષામાંથી રૂ. 86,380 ની કિંમતનો ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી લીધી હતી. જયારે ડિલિવરી લેવા આવનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરી હેઠળ પીએસઆઇ વી જી જેઠવા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, રાજકોટની ભાગોળે ગોંડલ રોડ પર આવેલ કાંગસિયાળી ગામની સીમમાં માલધારી ચોકથી સૌરાષ્ટ્ર હોટલ તરફ જતા એક ઓટો રીક્ષા જેના નંબર જીજે-03-બીયુ-6040 માં બેસી એક મહિલા પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી ડિલિવરી કરવા જવાની છે. જે બાતમીના આધારે તાત્કાલિક એએસઆઈ મયુરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ તુષારસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઈ ડામસિયા, એલઆરડી જવાન મનસુખભાઈ ચૌહાણ તથા મહિલા પોલીસકર્મી નિમુબેન મેતા અને ડ્રાઇવર કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા સહિતનાને સાથે રાખી ટીમ અહીં પહોંચી હતી.


પોલીસે ગોંડલ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર હોટેલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સાંજના સાત વાગ્યે માલધારી ચોક તરફથી નેશનલ હાઈવે તરફ એક રીક્ષા આવતી જોવા મળી હતી. જે રીક્ષાને અટકાવી જોતા તેના નંબર જીજે-03-બીયુ-6040 ધ્યાને આવતા રિક્ષામાં ચાલક ઉપરાંત એક સ્ત્રી બેસેલી જોવા મળી હતી. જેથી મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ કરીનબેન ઉર્ફે ફરીદા કરીમભાઈ શાહમદાર (ઉ.વ.30 રહે. કોઠારીયા સોલવન્ટ, રસુલપરા શેરી નંબર-17,રાજકોટ) જણાવ્યું હતું. તેમજ રીક્ષા ચાલકે પોતાનું નામ મુસ્તાક હબીબભાઈ નકાણી (ઉ.વ. 40 રહે. રસુલપરા મસ્જિદ નજીક, રાજકોટ) તરીકે આપી હતી. બાદમાં રીક્ષાની ઝડતી કરતા કરીન ઉર્ફે ફરીદા પાસેથી એક કાળા કલરનો થેલો મળી આવેલ હતો. જે થેલામાં ચેક કરતા બ્લુ કલરની પ્લાસ્ટિકની કોથળી ઉપર ખાખી કલરની ટેપ વીંટેલા બે પેકેટ મળી આવ્યા હતા. જે પેકેટમાં તપાસ કરતા વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવતા મહિલાને આ પદાર્થ અંગે પૂછતા તેણે વનસ્પતિજન્ય માદક પદાર્થને ગાંજો હોવાનું જણાવ્યું હતું. જેથી એફએસએલ કચેરીને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને બાદમાં વનસ્પતિજન્ય પદાર્થની ચકાસણી કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થતા શાપર પોલીસની ટીમે મહિલા ડ્રગ્સ કેરિયર પાસેથી કુલ 8.638 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂ. 86, 380 કબ્જે કરી કરી કરીન ઉર્ફે ફરીદા કરીમભાઈ શાહમદારની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application