BREAKING NEWS

ખાંભાના માલકનેશમાં ગાડામાર્ગ મુદ્દે ધિંગાણું: કુહાડી, દાતરડા, પાઇપ ઉડ્યા

  • November 05, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખાંભાના માલકનેશ અને બોરાણા ગામ જવાના રસ્તે ખેતરે જવાના ગાડા માર્ગ બાબતે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતા મહિલા સહીતનાને ઈજાઓ થતા સારવાર માટે ખાંભા, અમરેલી અને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે બંને પક્ષે સામસામી હુમલો કર્યાંની ફરિયાદ નોંધાવતા ખાંભા પોલીસે ત્રણ મહિલા સહીત 19 વ્યક્તિ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ખાંભાના નવા માલકનેશ ગામે રહેતા કોમલબેન ધીરૂભાઈ મકવાણા (ઉ.વ.૨૧)નામની યુવતીએ ખાંભા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં શેઢા પડોશી હિંમત વેલાભાઈ સોલંકી તેની પત્ની અસ્મિતાબેન, દીકરીઓ ઉમીયા, હેતલ, પુત્ર ધર્મેશ તેમજ તેની સાથે ના કૌશિક ગભરૂભાઈ સોલંકી, હિતેષ ગભરૂભાઈ સોલંકી,ગભા વેલાભાઈ સોલંકી, વેલા ભુરાભાઈ સોલંકી, વંતુબેન વેલાભાઈ સોલંકી, હર્ષાબેન ગભાભાઈ સોલંકી (રહે.તમામ નવા માલકનેશ), જતીન ભુપતભાઈ જેઠવા (રહે.હેમાળ તા.જાફરાબાદ)ના નામ આપ્યા છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે હું મારા માતા સવિતાબેન, વાડીના ભાગીયા જીવાભાઈ જેઠાભાઇ સોલંકી તેનો પુત્ર પરેશભાઈ બધા વાડીએ હતા ત્યારે હિંમત સોલંકી, તેની પત્ની અસ્મિતાબેન, દીકરીઓ હેતલ, ઉમિયા, પુત્ર ધર્મેશ, કૌશિક ગભરૂભાઇ સોલંકી તેનો પુત્ર હિતેશ હિતેષ, વેલા ભુરાભાઇ સોલંકી તેમની પત્ની વન્તુબેન, પુત્ર ગભાવેલા સોલંકી તેની પત્ની હર્ષાબેન તેના મહેમાન જતીન જેઠવા બધા એક સંપ થઇ હાથમાં કુહાડી, દાતરતડા લઈ ધસી આવ્યા હતા અને મને અને મારા માતાને ગાળો આપી તમે કેમ રસ્તેથી ચાલવાની ના પાડો છો કહી હિમતે કુહાડીથી હુમલો કરતા મને માથાના ભાગે કુહાડીનો ઘા લાગી જતા પડી ગઈ હતી અને મારી કુર્તી ખેંચતા ફાટી ગઈ હતી અને મને ઢીકાપાટુનો મારમારી મારા માતા સવિતાબેનને ઢસડી હર્ષાબેને દાતરડાનો ઘા માર્યો હતો. અમારા ભાગીયા જીવાભાઈ અને તેનો પુત્ર પરેશ છોડાવવા વચ્ચે પડતા તેને પણ કુહાડીના ઘા મારી દેતા ઈજાઓ થતા લોહી નીકળવા લાગ્યું હતું.

જતા જતા ધમકી આપી હતી કે, હવે જો કેડીએથી ચાલવાની ના પાડી છે તો જાનથી મારી નાખીશું, અમને બધાને ઈજાઓ થતા 108 મારફતે ખાંભા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર આપવામાં આવી હતી. જયારે જીવાભાઇને વધુ ઈજાઓ થતા અમરેલી રીફર કરવામાં આવ્યા હતા.

જયારે સામાપક્ષે ગભરૂભાઇ વેલજીભાઇ સોલંકી (ઉ.વ.૪૪)એ કોમલ ધીરૂભાઇ મકવાણા તેમના માતા સવિતાબેન, પુત્ર સુરેશ, ભાગીદાર જીવરાજ જેઠાભાઇ સોલંકી તેનો પુત્ર સુરેશ, પાંચો અને પુત્રી કાજલ સહિતનાએ મળી પોતાના અને પરિવારના સભ્યો ઉપર પાઇપ, દાતરડા વડે હુમલો કરી પથ્થરના છુટા ઘા કરતા હિંમતભાઇ, હર્ષાબેન,હિતેષભાઇ, હેતલબેનને ઈજાઓ થતા સારવાર માટે ખાંભા અને અને હિમતભાઈને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application