શહેરમાં વાહનચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો સમયાંતરે બનતા રહે છે. ત્યારે આવો વધુ એક બનાવ કોઠારીયા રોડ પર બનવા પામ્યો છે. અહીં વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક શાખાના મહિલા હેડ કોન્સ. સાથે વાહનચાલકે માથાકૂટ કરી ઝપાઝપી કરી હતી. જે અંગે આજીડેમ પોલીસ મથકમાં બે શખસો સામે ફરજમાં રૂકાવટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કોઠારીયા ચોકડી પાસે આજે ટ્રાફિક બ્રાંચના હેડ કોન્સ. સેજલબેન પરમાર (ઉ.વ.૩૦)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય ધામેચા અને તેની સાથેના જીજે ૧૦ ઇડી ૭૬૧૩ના ચાલકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ બે ટીઆરબી જવાન સાથે બપોરે કોઠારીયા ચોકડી પર વાહન ચેકિંગ કરતા હતા ત્યારે આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરનું બાઇક નીકળતા અટકાવ્યું હતું. નિયમ મુજબ ચલણ બનાવી આપ્યું હતું.
તે વખતે સ્થળ પરથી અન્ય એક બાઈક ચાલક નીકળ્યો હતો. જેણે આવીને તેને કહ્યું કે તમે મને પણ અટકાવી લાયસન્સ અને કાગળો માંગી હેરાન કર્યા હતા. આ પછી તેનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દેતા માણસો ભેગા થઈ ગયા હતાં. તેણે તે વાહન ચાલકને શા માટે, વીડિયો બનાવો છો તેમ પૂછતા કહ્યું કે હું પ્રેસમાંથી છું, મારું નામ સંજય ધામેચા છે, તમે કાયમ વાહન ચાલકોને હેરાન કરો છો.આ પછી જેનું ચલણ બનાવ્યું હતું તે વાહન ચાલકને ઉશ્કેરી તેને કહ્યું કે તમારો અહીં પોઈન્ટ નથી, તેમ છતાં વાહન ચાલકોને હેરાન કરો છો.
ત્યાર પછી તેની સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી. સમજાવટ કરવા છતાં ઝપાઝપી કરતાં તેના કાંડાના ભાગે મૂંઢ ઇજા થઈ હતી. જે દરમિયાન સંજયનો મોબાઈલ ફોન નીચે પડી જતાં તમે મારો મોબાઈલ ફોન તોડી નાખ્યો, તેનો ખર્ચ મને આપો તેમ કહી ફરીથી ઉગ્ર બોલાચાલી કરી આક્ષેપો કર્યા હતાં.
આખરે ઉપરી અધિકારીઓને જાણ કરતાં સ્થળ પર પહોંચ્યા હતાં. તેમણે પણ સમજાવટ કરી હતી. આમ છતાં બોલાચાલી ચાલુ રાખી હતી. સંજયને ક્યા પ્રેસમાં છો, આઈકાર્ડ બતાવો તેમ કહેતા કોઈ પ્રેસનું નામ આપ્યું ન હતું. અંતે હેડ કોન્સ. આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ સંજય અને બીજા વાહન ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.