રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચ દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી અંગેની ચેકિંગ ડ્રાઇવ પૂર્ણ કર્યા બાદ હવે તાજેતરમાં રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાંથી મળેલા આદેશ અન્વયે મહાપાલિકાની શાળાઓમાં ફાયર સેફ્ટી છે કે નહીં ? તે અંગે એક સપ્તાહ સુધી ચેકિંગ ડ્રાઇવ ચાલશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગરના ઉપક્રમે શાળા સલામતી સપ્તાહની ઉજવણી શરૂ કરવામા આવી છે. જેમાં કુદરતી તથા માનવ સર્જિત આપત્તિઓ, જોખમો અને બચાવ પ્રયુક્તિ અન્વયે વિધાર્થીઓમાં યોગ્ય સમજ કેળવાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામા આવે છે. આ કાર્યક્રમમા ફાયર વિભાગમાથી શાળાના વિધાર્થીઓ તથા શિક્ષકોને ફાયરની તાલીમ તથા ડેમોસ્ટ્રેશન આપવામા આવે છે તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાથી પ્રાથમિક સારવાર, સી.પી.આર. વિશે માહિતી અને તાલીમ આપવામા આવે છે. આગાખાન એજન્સી ફોર હેબિટ્સ ઇંન્ડિયા દ્વારા ધરતીકંપ, વાવાઝોડુ, પુર, ત્સુનામી જેવી આપત્તિઓ સમયે કઇ-કઇ બાબતોની કાળજી રાખવી તે બાબતે તાલિમ તથા પ્રેક્ટિકલ ડેમો આપવામા આવે છે. આ કાર્યક્રમનો તા.૨૭-૧-૨૦૨૬ના રોજથી રાજકોટ મહાપાલિકા હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમા શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામા આવેલ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઉપરોક્ત ઉજવણી તા.૩૧.૧.૨૦૨૬ સુધી ચાલુ રહેશે જેમાં દરરોજ પાંચ શાળાઓમા શાળાના બાળકો અને શિક્ષકોને અલગ-અલગ ફાયર, પ્રાથમિક સારવાર અને ડિઝાસ્ટર વિશે તાલીમ આપવામા આવશે. તદુઉપરાંત શાળા સલામતી સપ્તાહ ઉજવણી કાર્યક્રમમા વિવિધ તાલિમો પૈકી ફાયર એન્ડ ઇમર્જંન્સી વિભાગ દ્વારા શાળામા લગાવવામા આવેલ ફાયર સીસ્ટ્મ અને ફાયર સેફ્ટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શુ કરવુ અને શુ ન કરવુ જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની સીસ્ટ્મ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો, પોતાનો તથા અન્યનો બચાવ કઇ રીતે કરવો તેની માહિતી આપવામા આવે છે. રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન તથા ડેમો દ્વારા સમજ આપવામા આવશે.
આશ્ચર્ય ! ક્યાંયથી કંઇ જ વાંધાજનક ન મળ્યું !
શહેરની ખાનગી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં ફાયર સેફટીનું ચેકીંગ કરી ધડાધડ સીલ મારનાર રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચ દ્વારા ગઇકાલથી મહાપાલિકાની શાળાઓમાં ફાયર સેફટીનું ચેકીંગ શરૂ કરાયું છે ત્યારે તેમાં ક્યાંયથી કંઇ જ વાંધાજનક મળ્યું ન હોય ભારે આશ્ચર્ય સર્જાયું છે સાથે જ એવો સવાલ પણ ઉપસ્થિત થયો છે કે શું મહાપાલિકાની શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાયર સેફ્ટી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ કરતા પણ ઉચ્ચ સ્તરના કે વધુ ગુણવત્તાયુક્ત છે ખરા !?