BREAKING NEWS

નવાગામ પાસે આઇઓસી પ્લાન્ટમાં આગથી અફરાતફરી

  • November 18, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટનાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે ૧૧.૩૪ કલાકે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી જવા પામી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ. આગ વિકરાળ બનતા લેવલ-૩ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી.અંતે મોકડ્રિલ જાહેર કરવામાં આવતા હાશકારો અનુભવ્યો હતો.


નવાગામ પાસેના આઇઓસી પ્લાન્ટમાં ગેસ લીકેજ થવાના લીધે આગ લાગતા

સૌથી પહેલા કંપનીની સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ના આવતા અંતે આસપાસના ઉદ્યોગો તેમજ ૧૧૨ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી. દરમિયાન કંપનીમાં કામ કરતા આશરે ૧૨૦થી વધુ કર્મચારીઓને પ્લાન્ટમાંથી સલામત રીતે બહાર લઈ જવાયા હતા.

બાદમાં ફાયર બ્રિગેડની ટીમો અને ૧૦૮ એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવવાની કવાયત શરૂ કરી. દરમિયાન પોલીસ, આર.ટી.ઓ.ની ટીમે વાહન વ્યવહારની વ્યવસ્થા સંભાળી તેમજ નજીકમાં એકઠી થયેલી ભીડને નિયંત્રણમાં રાખી હતી.આ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ પહોચી ગઈ અને પી.પી.ઈ. કીટ પહેરીને દુર્ઘટના ક્ષેત્રમાં જઈને ગેસથી અસર પામેલા ચારેક જેટલા લોકોનું બચાવ કાર્ય શરૂ કર્યું. અડધા કલાકની કવાયત બાદ અંતે આગ કાબૂમાં લેવાઈ. દરમિયાન એસ.ડી.આર.એફ.ના જવાનો પણ ખડે પગે રહ્યા હતા.

આખરે આ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર કરાયૂં હતું. જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, તેમજ જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના સંયુક્ત નિયામકની ટીમ દ્વારા આઈ.ઓ.સી.એલ.ના નવાગામ ખાતે આવેલા પ્લાન્ટમાં અગ્નિશમન ક્ષમતા અને સજ્જતા ચકાસવા આ મોકડ્રીલ યોજવામાં આવી હતી.

આ તકે જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નાયબ નિયામક એન.વી.ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર મીરા જાની, આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડ, જી.પી.સી.બી.ના સાયન્ટિફિક ઓફિસર દશરથ પટેલ, એન.ડી.આર.એફ.ના અનુપમજી, પોલીસ તેમજ એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application