મવડી કણકોટ રોડ પર સ્મશાન નજીક ડ્રીમ સિટી એપાર્ટમેન્ટના ઇ-વીંગમાં પાર્કિંગમાં મોડી રાતે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. અગીયાર માળના આ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાઇટના મીટર પાસે રખાયેલા બે બાઈકમાં આગ લાગ્યા બાદ ધડાકા થયા હતાં અને બાદમાં આગ આગળ વધી જતાં બીજા વાહનો પણ લપેટમાં આવી જતાં ૨૫ જેટલા ટુવ્હીલર અને ૭ જેટલી સાઇકલો બળી ગયા હતાં. વિજમીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ દરમિયાન અહીં રહેતા મહિલા સહિત બે લોકોને ગભરામણ થતા તેમને રેકસ્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતાં.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, મવડી કણકોટ રોડ પર ડ્રીમ સીટી ઈ-વીંગમાં પાર્કિંગમાં મોડી રાતે વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના અંગે હરેશભાઈ યાજ્ઞિકે કરતાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના અધિકારીઓ, જવાનો તાબડતોબ ફાયર ફાઇટર સાથે પહોંચ્યા હતાં અને ત્રીસથી ચાલીસ મિનીટ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાંખી હતી. આગમાં ૨૫થી ૩૦ ટુવ્હીલર સંપુર્ણ બળીને ખાખ થઇ ગયા હતાં. જયારે ૫ થી ૭ જેટલી સાયકલો પણ બળી ગઇ હતી.
આગની આ ઘટના દરમિયાન રહેવાસીઓની મદદથી બીજા આઠથી દસ વાહનોને સલામત સ્થળે ખેસેડી આગની લપેટમાં આવતા બચાવી લેવાય હતાં. રહેવાસી નવીનભાઈ ત્રિકમલાલ ભેંસદડીયાના કહેવા મુજબ ફાયર બ્રિગેડની ટીમોએ ઝડપથી કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી. જેના કારણે સામેની સાઈડમાં પાર્ક કરાયેલી પાંચ સાત કાર બચી ગઇ હતી. અન્ય રહેવાસીઓના જણાવ્યા મુજબ વિજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાથી બ્લાસ્ટ થયા બાદ આગ ભભૂકી હતી અને બાજુમાં જ બાઇક પડયા હોઈ તેમાં તણખા જતાં આગની ચપેટમાં આવી ગયા હતા. જોત જોતામાં બીજા વાહનો પણ લપેટમાં આવી ગયા હતાં.
સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઈ-વીંગ ૯મા માળે રહેતાં શોભનાબેન બિમાર હોઈ આગને કારણે ઇલેક્ટ્રીક પાવર સપ્લાય બંધ થતાં તેમને ગભરામણ થતાં અને ૮મા માળે રહેતાં હેન્ડીકેપ પિન્ટુભાઇ કાલરીયાને પણ ગભરામણ થતાં સ્ટ્રેચર મારફત બંનેને રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતાં. બનાવ વખતે ઇ-વીંગના પ્રમુખ ભગવાનજીભાઈ હાજર હતાં. તેમના કહેવા મુજબ વિજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શંકા સેવાઇ રહી છે. આગમાં ટુ-વ્હીલરો અને સાઈકલો બળી ગયા છે અને પાર્કિંગની દિવાલો, છતમાં નુકસાની થઈ હતી.
પંચાયત ચોકમાં ફરસાણની દુકાનમાં વિકરાળ આગ
પંચાયત ચોકમાં આવેલી કૈલાસ ફરસાણ એન્ડ સ્વીટ્સ નામની દૂકાનમાં રાતે સવા ત્રણેક વાગ્યે આગ ભભૂકતાં રજનીકાંતભાઇ પ્રવિણચંદ્રભાઈ સગાણીએ જાણ કરતાં ફાયર બ્રિગેડના તેજસભાઇ, અનિલભાઈ, નવજીતસિંહ, જીગરદાન, રાજેશભાઈ લાલજીભાઈ સહિતે પહોંચી આગ કાબુમાં લીધી હતી. જો કે એ પહેલા મોટી નુકસાની થઇ ચુકી હતી. ત્રીસથી છત્રીસ મિનીટની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. દુકાનમાં ત્રણ એલપીજી ગેસના સિલીન્ડર હતાં જે સમયરસર બહાર કાઢી લેવાયા હતાં. બે માળની આ દુકાનમાં આગને કારણે ઇલેક્ટ્રીક વાયરીંગ, કોમ્પ્યુટર, દુકાનનો તમામ સામાન બળી ગયા હતાં. દુકાન માલિકના કહેવા મુજબ અંદાજે ચારથી પાંચ લાખની નુકસાની થઈ છે. આગ શોર્ટ સરકિટથી લાગી હતી.સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી નથી.