BREAKING NEWS

જામનગરમાં દિવાળી નિમિત્તે 30 થી વધુ સ્થળે આગ: ફાયર સ્ટાફની કાબિલેદાદ કામગીરી

  • October 21, 2025 10:47 AM 

જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં ફટાકડાને કારણે એક બંધ પડેલા મકાનમાં આગ, ઉપરાંત હાપા અને ગ્રેઈન માર્કેટ સહિતના વિસ્તારમાં આગની ઘટના સામે આવી


દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે ત્યારે ગઈકાલે દિવાળીની આતશબાજી વચ્ચે જામનગરમાં અંદેજે 30 થી વધુ સ્થળે આગની નાનીમોટી ઘટના સામે આવી હતી: જામનગરમાં દિવાળી દરમિયાન 30થી વધુ જગ્યાએ આગ લાગતા ફાયરની ટીમ રાતભર દોડતી રહી હતી.


દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં ફટાકડાને કારણે એક બંધ પડેલા મકાનમાં આગ લાગી હતી. જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટો અનર્થ ટળ્યો હતો અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દિવાળીની રાત્રે આ મકાનની આસપાસ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. તે દરમિયાન ફટાકડાની કોઈ ચિનગારી કે રોકેટ બંધ મકાન તરફ ગયું અને તેના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે ફાયર વિભાગની સતર્કતાને પગલે આગ વિકરાળ રૂપ ધારણ કરતા અટકી હતી.



આ ઉપરાંત જામનગરના હાપા વિસ્તારમાં પણ આગ ભભૂકી ઉઠી હતી.જામનગરમાં મહિન્દ્રા શોરૂમ સામે આવેલી યામાહા શોરૂમની બાજુમાં અચાનક લાગી મોટી આગથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી પરંતુ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હોવાથી કોઈ જાનહાનિની થઈ ન હતી.


બીજી તરફ ફટાકડાના કારણે તારીખ 20 ના રોજ 13 અને તારીખ 21 ના રોજ કુલ ૧૭ મળી 30 જગ્યાએ નાની મોટી આગના છમકલા થયા હોવાના ફાયર વિભાગને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. ગ્રેન્ઈન માર્કેટ ઉપરાંત ખંભાળિયા ગેટ હોટલ સહિતના વિસ્તારમાં પણ આગ લાગી હતી. ફાયર સ્ટાફે બનાવ સ્થળે દોડી જાય તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને વિકરાળ રૂપ ધારણ કરતા અટકાવી હતી.

​​​​​​​

મહત્વનું છે કે જામનગર ફાયર વિભાગ હર હંમેશા લોકોની સેવા માટે ખડેપગે રહે છે. નાગરિકો દિવાળી પર્વ ઉજવી શકે તે માટે દિવાળી પર્વ શહેર ના જુદા જુદા વિસ્તારોમાં ફાયર વિભાગના જવાનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. ફટાકડા ફોડવાને લીધે દર વર્ષે આગના બનાવો બનતા હોય છે. જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે જામનગરના ફાયર જવાનો દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કોઈપણ તહેવાર દરમ્યાન પોતાના પરિવારની ફરજ નેવે મૂકી નાગરિકોની સેવા માટે ખડેપગે રહે છે.  આ વર્ષે દિવાળી પર્વ નિમિતે જામનગરના જુદા જુદા વિસ્તારોમાં આગના 30 બનાવો સામે આવ્યા હતા જેમાં ફાયર જવાનોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application