રાજકોટમાં શહેરના પોશ ગણાતા યુનિવર્સિટી રોડ પર આવેલા ‘સમન્વય શુલ્ક’ એપાર્ટમેન્ટમાં રવિવારે (30 માર્ચ) મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એન. કે. પંડ્યાની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી તેમના પોતાના હાથમાં અને ત્યાં હાજર એક મહિલાને કમરના ભાગે વાગી છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો મુજબ, આ બનાવ રાત્રિના આશરે 1:00 વાગ્યાની આસપાસ બન્યો હતો. PSI નીતિન પંડ્યા યુનિવર્સિટી રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે. પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે, પીએસઆઈ પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક મિસફાયર થયું હતું. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી પીએસઆઈના હાથને વીંધીને પાસે ઉભેલી મહિલાના કમરના ભાગે વાગી હતી.
ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના પડોશીઓ જાગી ગયા હતા. પીએસઆઈ પંડ્યાએ પડોશીઓને મિસફાયર થયું હોવાની જાણ કરી હતી અને મદદ માંગી હતી. ઘટના બાદ તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને રાજકોટની ખાનગી ગિરીરાજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે, ફ્લેટને મરાયું તાળું
ફાયરિંગની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, ઘટના બન્યા બાદ તે ફ્લેટને હાલ તાળું મારી દેવામાં આવ્યું છે. યુનિવર્સિટી પોલીસ મથકના ડી-સ્ટાફના પીએસઆઇ વિક્રમ ડોડિયાને આ અંગે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. એફએસએલ (FSL) ની ટીમની મદદ લઈને પણ તપાસ કરવામાં આવી શકે છે કે ખરેખર આ અકસ્માત હતો કે અન્ય કોઈ કારણ.
કોણ છે PSI એન. કે. પંડ્યા?
નીતિન કે. પંડ્યા છેલ્લા અઢી વર્ષથી રાજકોટ શહેરમાં ફરજ બજાવી રહ્યા છે. તેમનું પ્રથમ પોસ્ટિંગ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ હતું. તાજેતરમાં જ તેમની બદલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. તેઓ જે ફ્લેટમાં રહે છે ત્યાં લાંબા સમયથી ભાડેથી વસવાટ કરે છે.
તપાસના ચક્રો ગતિમાન
પોલીસ અધિકારીઓ માટે આ મામલો તપાસનો વિષય બન્યો છે. પીએસઆઈ દ્વારા આપવામાં આવેલી 'રિવોલ્વર સાફ કરવાની' વાતમાં કેટલી સત્યતા છે તે જાણવા માટે બેલિસ્ટિક રિપોર્ટ અને નિવેદનો લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે મહિલાની હાજરી અને ફાયરિંગના સંજોગોને ધ્યાને રાખીને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ બંને ઈજાગ્રસ્તોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાએ શહેરમાં અનેક ચર્ચાઓ જગાવી છે.