અરબી સમુદ્રમાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લક્ષદ્વીપ નજીક એક બોટને આંતરી તેમા તપાસ કરતા 3,000 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું. બોટમાં સવાર પાંચ પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશની દરિયાઈ સીમા પર અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટની કમર તોડી નાખી છે. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરવામાં સફળતા મળી હતી. આ બોટમાંથી અંદાજે ૫૨૬ કિલોગ્રામ જેટલો ઉચ્ચ ગુણવત્તાવાળો (હાઈ ગ્રેડ) નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેણે સુરક્ષા વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરવામાં આવેલા આ જંગી ડ્રગ્સના જથ્થાની કિંમત રૂપિયા ૩૦૦૦ કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાવું એ સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા માનવામાં આવે છે. આ સફળ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બોટ પર સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોની પણ ઘટનાસ્થળે જ ધરપકડ કરી લીધી હતી. આ ડ્રગ્સ માફિયાઓ ભારતીય દરિયાકાંઠાનો ઉપયોગ કરીને દેશભરમાં ઝેર ફેલાવવાનું ઘાતકી ષડયંત્ર રચાઈ રહ્યું હતું, જેને સુરક્ષાકર્મીઓએ સમયસર નિષ્ફળ બનાવી દીધું છે.
આ સમગ્ર સફળતા પાછળ ગુજરાત એટીએસની સચોટ બાતમીદારી મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુજરાત એટીએસને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું માદક દ્રવ્ય ભારત અથવા તેની આસપાસના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ઘૂસાડવાનો મોટો પ્રયાસ થઈ રહ્યો છે. આ ગુપ્ત માહિતી મળતાની સાથે જ ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાં પોતાના અત્યાધુનિક જહાજો અને હવામાં આકાશમાંથી નજર રાખતા સર્વેલન્સ ડ્રોન દ્વારા કડક અને સઘન મોનિટરિંગ શરૂ કરી દીધું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી આ વોચ દરમિયાન પચ્ચીસ સપ્ટેમ્બરે અરેબિયન સીમાં શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડતા જ કોસ્ટ ગાર્ડના જહાજોએ તેનો ફિલ્મીઢબે પીછો ('હોટ પર્સ્યુટ') કર્યો હતો. દરિયાની મધ્યમાં કમાન્ડોએ જીવના જોખમે આ બોટને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. એજન્સીના સશસ્ત્ર કમાન્ડો બોટ પર ચડી ગયા હતા અને સઘન તલાશી લેતા મોટા-મોટા
કોથળાઓમાં છુપાવેલું અસલી પ્યોર હેરોઇન અને મેથમફેટામાઇન મળી આવ્યું હતું.
ડ્રગ્સનો જથ્થો અને પાકિસ્તાનીઓને મુંબઈ લઈ જવાયા
પકડાયેલા પાકિસ્તાની તસ્કરો, શંકાસ્પદ ઈરાની બોટ અને ૩૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના આ વિશાળ ડ્રગ્સના જથ્થાને કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ બંદરે લાવી પહોંચાડવામાં આવ્યા છે. હાલમાં મુંબઈ ખાતે ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દેશની અન્ય ટોચની કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે આ પાકિસ્તાની નાગરિકોની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર કોણ છે, આ જથ્થો કોણે મોકલ્યો હતો અને ભારતમાં કે અન્ય કોઈ વિદેશી દેશમાં કયા નેટવર્કને આ માલ પહોંચાડવાનો હતો, તે તમામ દિશામાં તપાસ અત્યંત તેજ કરવામાં આવી છે.