અમરેલી જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરી કરનાર ટોળકીને અમરેલી એલસીબીએ મુદામાલ સાથે પકડી પાડી બાબરા અને રાજુલા પંથકમાં થયેલી ચોરીના ભેદ ઉકેલી રોકડ-વાહન સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ બાબરા તાલુકાના નડાળા ગામે માતાજીના મઢમાંથી દાન પેટી તથા માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલ નાના મોટા ચાંદીના વીસેક જેટલા છત્તરની ચોરી કરવામાં આવી હતી તેમજ ગરણી ગામે રહેણાંક મકાનના રૂમનું તાળુ તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી તેમજ મકાનમાં આવેલ દુકાનમાંથી સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. ની ચોરી કરવામાં આવી હતી અને વલારડી ગામે બંધ રહેણાંક મકાનની દિવાલ ટપી ફળીયામાં આવેલા માતાજીના મઢમાં રાખેલી દાનપેટીનો લોકતોડી રોકડ રકમ તથા માતાજીની મૂર્તિ ઉપર બે ચાંદીના મોટા છત્તર તથા બીજા નાના મોટા તથા એક સોનાના છત્તરની ચોરી કરવામાં આવી હતી આ ત્રણેય ચોરી થયા અંગેની જુદી જુદી ફરિયાદ બાબરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ચોર શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન અમરેલી એલસીબીની ટીમે પણ આ ચોરીના અન ડીટેક્ટ ગુનાઓની ટેક્નિકલ અને હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતા માનસિંહ ખમસિંહ પરવડીયા, રાજકુમાર રામસીંગ રાવત, મનોજ રામસીંગ રાવત (ત્રણેય મૂળ મધ્યપ્રદેશ, હાલ રહે.ઉટવડ ગામની સીમ, તા.બાબરા)ના નામ ચોરીના ગુનામાં સામે આવતા ત્રણેયને શકમંદ તરીકે ઉઠાવી લઈ આકરી પુછપરછ કરી હતી જેમાં ઉપરોક્ત ત્રણેય ચોરી કરી હોવાની કબૂલાત આપતા તેની પાસેથી રોકડ રકમ,વાહન સહિત કુલ કિં.રૂ.૮૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
આ ઉપરાંત ચારેક દિવસ પહેલા રાત્રીના રાજુલા ગામે દુકાનમાથી રોકડ રૂ.૪૦,૦૦૦ની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ રાજુલા પોલીસમાં વેપારી દ્વારા નોંધવામાં આવી હતી. આ ચોરીની તપાસમાં એલસીબીની ટીમે પ્રવિણ ઉર્ફે પરીયો જીલુભાઇ મકવાણા ( રહે.સુરત,વેડ રોડ, કેશવપાર્ક સોસાયટી, મુળ રહે.ગાંગડા,તા.ઉના) અને ભગીરથ ઉર્ફે ભગી રણુભાઇ મકવાણા ( રહે.સુરત,વેડ રોડ, પ્રાણનાથ હોસ્પીટલ પાસે, કુબેરપાર્ક, રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટ ૧૫૧,મુળ રહે.ગાંગડા,તા.ઉના)ને ઝડપી લઇ બંને પાસેથી બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.75000નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે રાજુલા પોલીસને સોંપ્યા હતા.
આ કામગીરી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ પીએસઆઈ કે.ડી.હડીયા,પીએસઆઈ એમ.ડી.ગોહિલ, પીએસઆઈ આર.એચ.રતન અને તેમની ટીમના એએસઆઇ.કનાભાઇ સાંખટ, હરેશસિંહ પરમાર, હેડ કોન્સ. મનિષભાઇ જાની, અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી, ગીરીરાજસિંહ જાડેજા, આદિત્યભાઇ બાબરીયા, મહેશભાઇ મુંધવા, અશોકભાઇ સોલંકી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવી હતી.