ગોંડલના હડમતાળા જીઆઇડીસીમાં આવેલા સીમેન્ટના કારખાનામાં ટોકન આધારિત જગારક્લબ ઉપર રૂરલ એલસીબીએ દરોડો પાડી રાજકોટના વેપારી, કોન્ટ્રાકટર સહિત પાંચ શખ્સોને ઝડપી લઇ રોકડ, ટોકન અને મોબાઈલ મળી કુલ રૂ.૧.૮૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જુગાર ક્લબ ગોંડલનો રોહિત બોઘરા પોતાના કારખાનામાં ચલાવતો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં એએસઆઈ ઈન્દ્રસીંહ જાડેજા, મેહુલભાઈ સુવા, હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, કૌશિકભાઈ જોષી સહિતનો સ્ટાફ ગોંડલ તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમા હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, હડમતાળા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ પોલાડ સીમેન્ટના કારખાનાના રૂમમાં જુગાર રમાડવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી
કારખાના માલીક રોહિત વિનોદભાઈ બોઘરા ( રહે.ગોંડલ, વલ્લભનગર સોસાયટી), અરવિંદ ગોરધનભાઈ બોકરવાડીયા (રહે. દેરડી કુંભાજી, ગોંડલ), વિપુલ કાનજીભાઈ બેચરા (રહે સુભાષનગર મેઇન રોડ, રાજકોટ), મનિષ રસીકભાઈ સોંડાગરા (રહે. રાજકોટ, મવડી હેડકવાટર્સની બાજુમા, અંબિકા ટાઉનશીપ, બી-૧૦૧) અને બ્રિજેશ ઉર્ફે લાલો જેન્તીભાઈ કુકડીયા (રહે. જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, રાજકોટ) ને પકડી પાડી રોકડ રૂ.૬૨,૪૦૦, અલગ અલગ ટોકન, મોબાઈલ-૫ સહિત કુલ રૂ.૧.૮૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસની પુછપરછમાં જુગાર કારખાના માલીક રોહિત બોઘરા નાલ ઉઘરાવી ચલાવતો હોવાનું ખુલતા તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે