BREAKING NEWS

એક જ પરિવારના પાંચ લોકો જીવતા ભૂંજાયા, મકાનમાં કેમિકલ બ્લાસ્ટ બાદ ભીષણ આગઃ સુરતમાં સર્જાયો અગ્નિકાંડ

  • March 31, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડાયમંડ સિટી સુરતના લિંબાયત વિસ્તારમાં આજે સવારે માતમ છવાઈ ગયો હતો. મીઠી ખાડી પાસે આવેલી એક રહેણાંક વસાહતમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાંચ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબપ મેળવી તમામ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટના પાછળ ઘરમાં રાખવામાં આવેલું જ્વલનશીલ કેમિકલ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ઘરમાંથી મોટી માત્રામાં સાડીઓ અને ફોર્મનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, આ મકાનમાં સાડીઓ પર જોબવર્ક (વર્ક) કરવાનું કામ ચાલતું હતું. સાડીઓના ફિનિશિંગ અને પ્રોસેસ માટે ઘરમાં મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આજે સવારે કોઈ અગમ્ય કારણોસર આ કેમિકલના જથ્થામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જોતજોતામાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું.


ઘરમાં હાજર સભ્યોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટના અવાજ સાથે જ ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર કમનસીબ સભ્યોમાં ચાર વર્ષના બાળકથી લઈને 65 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે.


઼આ ભયાનક અગ્નિકાંડમાં પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી બે વ્યક્તિઓના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બાકીના ત્રણ સભ્યોને અત્યંત નાજુક હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને પણ મૃત જાહેર કર્યા હતા.


ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ અને સુરત ફાયર વિભાગની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તાર હોવા છતાં ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી આગને આસપાસના મકાનોમાં ફેલાતી અટકાવી હતી. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.​​​​​​​


મૃતકોની યાદી

1. શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (65 વર્ષ)
2. શબીનાં રમઝાન અલી અંસારી (28 વર્ષ)
3. પરવીન અબ્દુલ કલામ અંસારી (19 વર્ષ)
4. હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (18 વર્ષ)
5. શુભાન રમઝાન અલી અંસારી (4 વર્ષ)


ગેરકાયદે કેમિકલ સંગ્રહ સામે સવાલ

રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક હેતુ માટે આ પ્રકારે જોખમી કેમિકલ રાખવું એ સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. આ અકસ્માતે ફરી એકવાર ગીચ વિસ્તારોમાં ચાલતા જોખમી લઘુ ઉદ્યોગો સામે લાલબત્તી ધરી છે. તંત્ર દ્વારા આ મામલે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે જેથી આગ લાગવાનું સચોટ કારણ જાણી શકાય. હાલમાં સમગ્ર અંસારી પરિવારમાં માતમનો માહોલ છે. પાંચ-પાંચ સભ્યોના એકસાથે મોતથી પાડોશીઓની આંખો પણ ભીની થઈ ગઈ છે. તંત્રએ આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application