ઉત્તરાખંડના ટિહરીમાં યાત્રાળુઓને લઈ જતી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં પાંચ લોકોના મોત થયા હતા. ટિહરીના પોલીસ અધિક્ષક આયુષ અગ્રવાલે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. બપોરે 12:30 વાગ્યાની આસપાસ થયેલા આ અકસ્માતમાં 23થી વધુ લોકો ઘાયલ થતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બસમાં સવાર યાત્રાળુઓ ગુજરાત અને દિલ્હીના હોવાનું જાણવા મળ્યું હતું.
બસમાં 29થી વધુ લોકો સવાર હતા. એસડીઆરએફ અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસડીઆરએફની પાંચ વધુ ટીમો રવાના કરવામાં આવી હતી. બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી.
બસમાં સવાર 29છી વધુ લોકો ઋષિકેશના કુંજપુરી મંદિર જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં, કુંજપુરી-હિંદોળાખલ નજીક અચાનક બ્રેક ફેલ થઈ ગઈ અને બસ ખીણમાં પડી ગઈ હતી. નરેન્દ્રનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજયે જણાવ્યું કે અકસ્માત પછી, બસની અંદરથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને ઋષિકેશની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ મૃતકોમાં ચાર મહિલાઓ અને એક યુવાનનો સમાવેશ થાય છે, જોકે હજુ સુધી કોઈ મૃતકની ઓળખ થઈ નથી. ઘટના સ્થળની નજીક ઉભેલા લોકોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા બધા લોકો પ્રવાસી હતા અને ગુજરાત અને દિલ્હીથી ફરવા આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટિહરી બસ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.