વડાપ્રધાનના વિદેશ પ્રવાસોના ફ્લાઇટ રેકોર્ડ જાહેર નહીં થાયઃ હાઈકોર્ટે સીઆઈસીના આદેશને ફગાવ્યો
વડાપ્રધાનના વિદેશ પ્રવાસોના ફ્લાઇટ રેકોર્ડ જાહેર નહીં થાયઃ હાઈકોર્ટે સીઆઈસીના આદેશને ફગાવ્યો
October 21, 2026 03:04 PM
દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ સાથે જોડાયેલા ભારતીય વાયુસેનાના ફ્લાઇટ રેકોર્ડ્સ જાહેર કરવામાં આવશે નહીં. દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને વડાપ્રધાનની વ્યક્તિગત સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (સીઆઈસી)ના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં વડાપ્રધાનના પ્રવાસ સંબંધિત ફ્લાઇટ રેકોર્ડ અને વિગતો જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું.જસ્ટિસ અમિત મહાજને ભારતીય વાયુસેના દ્વારા માહિતી આપવાનો ઇનકાર કરવાના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો છે. આ સમગ્ર મામલો પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ સાથે જોડાયેલો છે. રિટાયર્ડ કમોડોર લોકેશ કે. બત્રા દ્વારા આરટીઆઈ અરજી દાખલ કરીને એપ્રિલ ૨૦૧૩ પછી બંને વડાપ્રધાનો દ્વારા ભારતીય વાયુસેનાના વિમાનોમાં કરાયેલી વિદેશ યાત્રાઓના રેકોર્ડ્સ માંગવામાં આવ્યા હતા.આ મામલે ભારતીય વાયુસેનાએ અદાલત સમક્ષ પોતાની પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે આ ફ્લાઇટ રેકોર્ડ્સમાં યાત્રીઓ, વિમાનના ક્રૂ મેમ્બર્સ (કર્મચારીઓ) અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ના જવાનો સાથે જોડાયેલી અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી શામેલ હોય છે.વાયુસેનાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જો વ્યક્તિગત નામો હટાવી દેવામાં આવે તો પણ, અન્ય સાર્વજનિક રૂપે ઉપલબ્ધ માહિતી સાથે આ ડેટા મેળવીને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વિગતો સામે આવી શકે છે. આનાથી સુરક્ષા પ્રોટોકોલ અને વડાપ્રધાનના સુરક્ષા ચક્ર પર જોખમ ઊભું થઈ શકે છે.દિલ્હી હાઈકોર્ટે વાયુસેના અને દેશની સુરક્ષા એજન્સીઓની આ દલીલને ગંભીરતાથી સ્વીકારી છે. કોર્ટે અવલોકન કર્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મામલાઓમાં સુરક્ષા એજન્સીઓના મૂલ્યાંકન અને આકલનને નજરઅંદાજ કરી શકાય નહીં.અદાલતે નોંધ્યું કે માત્ર સરકારી અથવા સાર્વજનિક નાણાંના ખર્ચની વિગતો મેળવવાના હેતુથી આવી સંવેદનશીલ માહિતી જાહેર કરવી યોગ્ય નથી, કારણ કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા અથવા દેશના વડાપ્રધાનની સુરક્ષા સામે મોટું જોખમ કે સંકટ ઊભું થઈ શકે છે. આથી જાહેર હિત અને દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપતા સીઆઈસીના આદેશને ફગાવી દેવામાં આવ્યો છે.