BREAKING NEWS

સાઉદી અરેબિયાથી ફ્લાયદુબઈના જાંબાઝ પાયલટ સ્મિતને કરાયા એરલિફ્ટ: કો-પાયલટના હુમલા બાદ દુબઈમાં સારવાર હેઠળ

  • October 01, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં કો-પાયલટના જાનલેવા હુમલાનો ભોગ બનેલા ભારતના બહાદુર પાયલટ કેપ્ટન સ્મિત મછારને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાના તબૂક સ્થિત હોસ્પિટલમાં પ્રારંભિક સારવાર આપ્યા બાદ હવે તેમને વધુ અને યોગ્ય તબીબી સારવાર માટે દુબઈ એરલિફ્ટ કરવામાં આવ્યા છે. બુધવારે પ્લેન ઉડાન દરમિયાન કો-પાયલટે સ્મિત મછાર પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગંભીર પરિસ્થિતિ હોવા છતાં કેપ્ટન સ્મિતે અદભુત સાહસ, કોઠાસૂઝ અને ત્વરિત નિર્ણયશક્તિ બતાવીને ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના કીમતી જીવ બચાવ્યા હતા. ઘટના બાદ પ્લેનનું ત્વરિત ઇમરજન્સી લેન્ડિંગ સાઉદી અરેબિયાના ઉત્તર-પશ્ચિમી શહેર તબૂક ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં સ્મિતને તાત્કાલિક તબૂકની સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ, સમયસર મળેલી સારવાર બાદ હવે તેમની હાલત સ્થિર છે.


યુએઈ (UAE) માં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર ઘટના અંગે સત્તાવાર માહિતી શેર કરી હતી. યુએઈમાં ભારતના રાજદૂતો અને કોન્સલ જનરલે કેપ્ટન સ્મિત મછારના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. દૂતાવાસે પરિવારને કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી હતી અને આ મુશ્કેલ સમયમાં તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત દૂતાવાસે અનેક લોકોના જીવ બચાવવા બદલ કેપ્ટન મછારની બહાદુરીની પ્રશંસા કરી હતી.


​​​​​​​ભારતીય અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ યુએઈ અને સાઉદી અરેબિયાના સ્થાનિક સત્તાધીશોના સતત સંપર્કમાં છે જેથી પાયલટ સ્મિત મછારને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળી રહે. આ ચોંકાવનારી ઘટના અંગે તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે અને કો-પાયલટે કયા કારણોસર આટલું આકરું અને હિંસક પગલું ભર્યું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાહસિક પાયલટ સ્મિત ઝડપથી સાજા થઈ જાય તે માટે દેશભરમાંથી પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application