રાજકોટ કંડલા સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. જોકે તેની અસર પ્રમાણમાં ઓછી હતી અને વિઝિબિલિટી પણ સામાન્ય રહી હતી. લઘુતમ તાપમાન નો પારો આજે પણ ઉચકાયો છે અને તેના કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે આવતીકાલથી ત્રણ દિવસ માટે લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીના ઘટાડાની શક્યતા છે.
આજના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો સૌથી નીચું તાપમાન કંડલામાં 10.4 ડીગ્રી નોંધાયું હતું અને ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહેવા પામ્યું હતું. રાજકોટમાં પણ સવારે ૯૦ ટકા ભેજ નોંધાયો હતો અને લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી રહેવા પામ્યું હતું.
અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 17.5, અમરેલીમાં 15.8, વડોદરામાં 16.6, ભાવનગરમાં 18, ડીસામાં 17.5, દ્વારકામાં 21, નલિયામાં 14.8, ઓખામાં 22.4, પોરબંદરમાં 18, સુરતમાં 19.1 અને વેરાવળમાં 19.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ સવારે બે કલાકમાં જ આ તમામ શહેરોમાં લઘુતમ તાપમાન બે ડિગ્રી જેટલું ઊંચકાયું હતું.
આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં લઘુતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું નીચે ઉતરશે અને ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થશે જો કે ત્રણ દિવસ પછી લઘુતમ તાપમાનમાં ખાસ મોટો ફેરફાર જોવા નહીં મળે.
જમ્મુ કશ્મીર લદાખ સહિતના ભાગમાં લઘુતમ તાપમાન માઇનસ 6 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. પંજાબ અને ઓડિશામાં કોલ્ડ વેવ માટેની ચેતવણી આપવામાં આવી છે. દેશના અન્ય મોટાભાગના રાજ્યોમાં ઠંડીના પ્રમાણમાં સતત ઘટાડો થતો જાય છે અને વાવાઝોડાની તથા વરસાદની પરિસ્થિતિ થાળે પડ્યા પછી ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે.