પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતના રાજકારણમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરનારા યુવા નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી એકવાર તેમની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલે મૂકેલી એક સૂચક પોસ્ટ બાદ, હવે તેમના સમર્થનમાં અલ્પેશ કથીરિયાએ પણ એવા જ આક્રમક અને ધારદાર અંદાજમાં પોસ્ટ શેર કરી છે. બંને નેતાઓની એકસરખી લાઈન પર આવેલી આ પોસ્ટને કારણે પાટીદાર સમાજ અને રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક તેમજ અટકળો તેજ બની ગઈ છે.
અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા
હાર્દિક પટેલની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, આંદોલન સમયના તેમના નજીકના સાથી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે 'પાસ'ના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની એક જૂની તસવીર શેર કરી હતી. તેમણે હાર્દિકના સૂરમાં સૂર પુરાવતા કેપ્શનમાં લખ્યું કે, "અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી." એક જ સમયગાળામાં બંને યુવા નેતાઓ દ્વારા મુકાયેલા આવા સૂચક સંદેશાઓએ ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો વધારી દીધો છે.
ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ લગભગ એક વર્ષ જેટલો સમય બાકી છે, તેમ છતાં રાજ્યમાં અત્યારથી જ રાજકીય હલચલ અને સક્રિયતા તેજ બની ગઈ છે. આવા મહત્ત્વના સમયે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની આ પોસ્ટ રાજકીય નિરીક્ષકો સામે અનેક સવાલો ઊભા કરી રહી છે. રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ બંને નેતાઓ પક્ષના કોઈ ચોક્કસ નિર્ણય કે નેતાગીરીથી નારાજ છે? કે પછી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય વજન અને મહત્ત્વ દર્શાવવા માટે આ પ્રકારનો મજબૂત સંદેશ આપવામાં આવી રહ્યો છે? હાલ તો આ બંને નેતાઓની 'ખામોશી' પાછળનો અસલી ઈશારો કોના તરફ છે, તે સમગ્ર ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો છે.