રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા હાલ શિયાળાની ઋતુમાં હાથ ધરાયેલા ફૂડ ચેકિંગ અંતર્ગત રૈયા રોડ ઉપરની ઈંડાની દુકાનો તેમજ અન્ય વિસ્તારોમાં ખાણી પીણીના વિવિધ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરીને કુલ આઠ સેમ્પલ લેવાયા હતા. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ હતી કે કેમ ? તેની ચકાસણી અર્થે પૃથ્થકરણ કરવા ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાનું જાહેર કરાયું છે.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફુડ સેફ્ટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ ફૂડ બ્રાન્ચના સ્ટાફ દ્વારા લેવાયેલા સેમ્પલની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ (૧) ઈંડા કરી સબ્જી પ્રિપેર્ડ-લુઝનું સેમ્પલ તેમજ (૨) ઈંડા મોગલાઈ સબ્જી પ્રિપેર્ડ લુઝનુ સેમ્પલ સ્થળ- મોહબત ખપે એગ ઝોન, નેહરૂનગર શેરી નં.૫, રઝાનગર-૩, રૈયા રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત (૩) તુલસી રોયલ ખજૂર પ્લસ સિલ્વર કોટેડ ડેટ્સનું સેમ્પલ સ્થળ- માં એજન્સી, માધાપર ઇન્ડ.એરિયા, એચ.પી. પેટ્રોલ પંપવાળી શેરી, ગાંધી સોસાયટી સામે, જામનગર રોડ ખાતેથી (૪) રજનીગંધા ફ્લેવર્ડ પાન મસાલા સેફ્રોન બ્લેન્ડેડનું સેમ્પલ સ્થળ- માં એજન્સી, માધાપર ઇન્ડ. એરિયા, એચ.પી. પેટ્રોલ પંપવાળી શેરી, જામનગર રોડ ખાતેથી (૫) મ્હેક સિલ્વર પાન મસાલાનું સેમ્પલ સ્થળ- ગિરીરાજ એજન્સી, બ્લોક નં.૪૪-૪૫, ગિરીરાજ કોમ્પલેક્ષ, ક્રિશ્ના પાર્ક, પુષ્કરધામ સામેથી (૬) સિગ્નેચર ફાઇનેસ્ટ પાન મસાલાનું સેમ્પલ સ્થળ- ગિરીરાજ એજન્સી, બ્લોક નં. ૪૪-૪૫, ગિરીરાજ કોમ્પલેક્ષ, ક્રિશ્ના પાર્ક, પુષ્કરધામ સામેથી (૭) દાળીયા લૂઝનું સેમ્પલ સ્થળ- હેમચા ફૂડ ઇન્ટરનેશનલ એલએલપી, પ્લોટ નં.૧૩૫, આજી જીઆઈડીસી-૨, એમ. એસ. -૧૨/કે, આર.એમ.સ્ટીલની બાજુમાં ખાતેથી અને (૮) હળદર દાળીયા લૂઝનું સેમ્પલ સ્થળ- સાઈ સોના શીંગ, ૧૨-લાતી પ્લોટ, કુવાડવા રોડ પાસે, મોદી વે બ્રિજની બાજુમાં ખાતેથી લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ અર્થે લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત કાર્યવાહી ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફ્ટી વાન સાથે શહેરના ૮૦ ફૂટ રોડ તેમજ વાવડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં છ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્યચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી.