BREAKING NEWS

પાકિસ્તાનમાં સશસ્ત્ર લૂંટારૂઓનો આતંક: ફૂટબોલ ટીમને બંદૂકની અણીએ લૂંટી, રોકડ અને મોબાઈલ લઈને ફરાર

  • September 30, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્થાન પ્રાંતમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મુખ્યમંત્રી ગોલ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે કરાચીથી ક્વેટા જઈ રહેલી એક સ્થાનિક ફૂટબોલ ટીમને બલૂચ હાઇવે પર હથિયારબંધ લૂંટારૂઓએ બંદૂકની અણીએ લૂંટી લીધી હતી. આ ભયાનક ઘટના બાદ રમતગમત જગતમાં અને સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.


પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, કરાચી ડિસ્ટ્રિક્ટ વેસ્ટની ફૂટબોલ ટીમ બસ મારફતે ક્વેટા તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસ જ્યારે મસ્તંગ અને સરિયાબ વચ્ચેના હાઇવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આશરે 10 થી 12 સશસ્ત્ર હુમલાખોરોએ બસને વચ્ચે રસ્તે રોકી લીધી હતી. લૂંટારૂઓએ બંદૂકની અણીએ આખી બસને પોતાના કબજામાં લઈ લીધી હતી અને મોટો ધાડ પાડ્યો હતો.


ટીમ મેનેજર ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ બનાવ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લૂંટારૂઓએ બસમાં સવાર તમામ ખેલાડીઓ અને ઓફિશિયલોને બળજબરીપૂર્વક નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ તેમના મોબાઈલ ફોન, રોકડ રકમ, પાસપોર્ટ અને અન્ય કિંમતી સામાન આંચકી લીધો હતો. લૂંટનો વિરોધ કરનારા કેટલાક ખેલાડીઓ સાથે અસામાજિક તત્વોએ મારપીટ કરી ગંભીર બદસલૂકી પણ કરી હતી.


​​​​​​​આ લૂંટપાટ બાદ તમામ નાણાં અને સામાન ગુમાવી ચૂકેલા ખેલાડીઓ અત્યંત દયનીય હાલતમાં જેમતેમ કરીને ક્વેટા પહોંચ્યા હતા અને બલૂચિસ્થાનના ખેલ મંત્રીને આપવીતી જણાવી હતી. ખેલ મંત્રીએ તાત્કાલિક મધ્યસ્થી કરીને ખેલાડીઓના રહેવા અને જમવા માટે દૈનિક ભથ્થાની વ્યવસ્થા કરી આપી હતી. બીજી તરફ, સિંધ ફૂટબોલ એસોસિએશનના સચિવ મોહમ્મદ આઝમે ખુલાસો કર્યો હતો કે સુરક્ષા એજન્સીઓની કડક ચેતવણીઓ હોવા છતાં આ ટીમે બસ મારફતે મુસાફરી કરી હતી. સુરક્ષાના ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના ફૂટબોલ એસોસિએશનોએ પોતાની ટીમો આ ટુર્નામેન્ટમાં મોકલવાનો ઇનકાર કરી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News