ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સીની ૧૪ વર્ષ પછી ભારત મુલાકાતે ભારે ચર્ચા અને લોકોમાં રોમાંચ જગાવ્યા છે. તેઓ ૧૫ ડિસેમ્બર સુધી ભારતમાં રહેશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. આ ભારત પ્રવાસ કોલકાતાના લોકો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તેઓ ૨૦૧૧માં આર્જેન્ટિનાના કેપ્ટન તરીકે આ જ સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમ્યા હતા. મેસ્સી આજે ૧૩ ડિસેમ્બરે "આનંદનું શહેર" કોલકાતા પહોંચ્યા છે. આ તેમના ચાર-શહેરના ગોટઇન્ડિયા ટૂર ૨૦૨૫ની શરૂઆત કરશે.તેમની કારકિર્દીની સાથે સાથે તેમની સંપતી પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. અહી જણાવી દઈએ કે ફૂટબોલનો જાદુગર મેસ્સી રૂપિયા ૭,૭૦૦ કરોડનો આસામી છે. તેમની આવક ફૂટબોલ મેચ ફી અને સ્પોન્સરશિપ સહિત અનેક સ્ત્રોતોમાંથી આવે છે.
મેસ્સી કોલકાતા ઉપરાંત હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી જશે
મેસ્સીનું સ્વાગત કરવા માટે ઘણા મોટા સ્ટાર્સ હાજર રહેવાના છે જેમાં શાહરૂખ ખાન, સૌરવ ગાંગુલી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જેવા નામો શામેલ છે. મેસ્સી કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હીમાં ત્રણ દિવસ વિતાવશે. આ સમય દરમિયાન, ફૂટબોલના ઉત્સાહની સાથે, સાંસ્કૃતિક ઉત્સવો, કોન્સર્ટ જેવા કાર્યક્રમો પણ યોજાશે અને તેમાં તે ઉત્સાહભેર જોડાશે.
જાહેરાત થકી વાર્ષિક ૭૦ મિલિયન ડોલરની મેસ્સીની કમાણી
મેસ્સી અનેક કંપનીઓ સાથે સંકળાયેલા છે. તે જાહેરાત દ્વારા વાર્ષિક આશરે ૭૦ મિલિયન ડોલર કમાય છે. તેમનો એડિડાસ સાથે આજીવન સોદો છે, જેની કિંમત ૧ બિલિયન ડોલર થી વધુ છે. અન્ય બ્રાન્ડ્સમાં એપલ, પેપ્સી, માસ્ટરકાર્ડ, કોનામી અને અન્યનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મેસીએ રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેસીએ રિયલ એસ્ટેટમાં 50 થી 60 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આમાં બાર્સેલોના, મિયામી, એન્ડોરા અને લંડનમાં વૈભવી ઘરોનો સમાવેશ થાય છે. તે કપડાંની બ્રાન્ડ અને મેસી સ્ટોર્સ પણ ધરાવે છે. આ વ્યવસાય 150 થી 200 મિલિયન ડોલરની વચ્ચેનો છે. મેસીનું સૌથી મોંઘુ અને વૈભવી ઘર સ્પેનના ઇબિઝા ટાપુ પર છે અને તેની કિંમત આશરે ₹100 કરોડ છે.
100 કરોડના ખાનગી જેટમાં 15 થી વધુ લોકો બેસી શકે તેવી સુવિધા
મેસી પાસે પોતાનું ખાનગી જેટ પણ છે, જેની કિંમત આશરે ₹100 કરોડ છે. તેમાં 15 થી વધુ લોકો બેસી શકે છે. તે આ ખાનગી જેટમાં તેના પરિવાર સાથે મુસાફરી કરે છે. મેસી પાસે ઘણી મોટી અને ભવ્ય હોટલો પણ છે. તેની 77 બેડરૂમવાળી હોટેલ ખૂબ જ વૈભવી છે. તેની પાસે ઘણી મોટી કંપનીઓની મોંઘી કાર પણ છે. તેના કાર કલેક્શનમાં ઓડી, રેન્જ રોવર, ફેરારી, મર્સિડીઝ વગેરેનો સમાવેશ થાય છે.