અમેરિકાની શાળામાં હવે માત્ર માનવ શિક્ષકો જ નહીં, પરંતુ માણસો જેવો જ ચહેરો અને દેખાવ ધરાવતો રોબોટ પણ બાળકોને ભણાવતો જોવા મળશે. અમેરિકામાં પ્રથમ વખત ૧૧મા અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં શિક્ષકોની સહાયતા કરવા માટે માનવ જેવો દેખાતો એક ખાસ એઆઈ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોબોટિક શિક્ષકનું નામ 'સેલી' રાખવામાં આવ્યું છે. આ રોબોટ ચાલી શકતો નથી, પરંતુ તે ખાસ કરીને એઆઈ અને રોબોટિક્સ જેવા આધુનિક વિષયો શીખવશે.
આ એઆઈ રોબોટ 'સેલી'ની કિંમત અંદાજે ૫૦ લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. આ રકમ ન્યૂયોર્કમાં એક સરેરાશ શિક્ષકના વાર્ષિક પગાર કરતાં પણ ઓછી છે. આ રોબોટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો વીજળીનો વપરાશ માત્ર એક સામાન્ય લેપટોપ જેટલો જ છે. આ ઉપરાંત, 'સેલી'નો એક ડિજિટલ અવતાર પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેની મદદથી વિદ્યાર્થીઓ પોતાના લેપટોપ પર પણ તેની સાથે સીધી વાતચીત કરી શકશે અને પોતાના પ્રશ્નો પૂછી શકશે.
શરૂઆતના તબક્કામાં 'સેલી'નો ઉપયોગ માત્ર શાળાના ખાસ એઆઈ અને રોબોટિક્સ કોર્સ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો ભવિષ્યમાં અન્ય સામાન્ય વિષયો માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. આ રોબોટ આગળ જતાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટસ અને ગણિત જેવા વિષયો પણ ભણાવી શકશે. નોંધનીય છે કે, આવા રોબોટિક શિક્ષકોનો પ્રયોગ જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પણ થઈ ચૂક્યો છે, પરંતુ હાલના તબક્કે આ તમામ પ્રયોગો પ્રારંભિક અને સંશોધન સ્તર સુધી જ સીમિત છે.