અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે એક મોટું ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. વિયેતનામના હો ચી મિન્હ સિટીથી અમદાવાદ આવેલી મ્યાનમાર મૂળની એક વિદેશી મહિલા પેસેન્જર પાસેથી 6.073 કિલો હાઈડ્રોપોનિક મેરિજુઆના (ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ સમયસૂચકતા અને આધુનિક સુરક્ષા વ્યવસ્થાના આધારે આ નશીલા પદાર્થની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, કસ્ટમ્સ વિભાગની ટીમ એરપોર્ટ પર પેસેન્જર પ્રોફાઇલિંગ અને નિયમિત ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન હો ચી મિન્હ સિટીથી આવેલી મ્યાનમારની આ મહિલાની હિલચાલ અને વર્તન પર અધિકારીઓને શંકા ગઈ હતી. મહિલાના સામાનનું X-Ray સ્કેનિંગ કરવામાં આવતાં શંકાસ્પદ ઈમેજ જોવા મળી હતી. ત્યારબાદ કસ્ટમ્સ વિભાગના સ્નિફર ડોગને તપાસ માટે લાવવામાં આવ્યો હતો. સ્નિફર ડોગે ચોક્કસ સિગ્નલ આપતાં જ કસ્ટમ્સના અધિકારીઓએ મહિલાની ટ્રોલી બેગની ગહન તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન અધિકારીઓને ટ્રોલી બેગમાં ખૂબ જ ચાલાકીપૂર્વક બનાવવામાં આવેલું ફેક લેયર (બનાવટી પડ) અને કેવિટી (ગુપ્ત ખાનું) મળી આવ્યું હતું. આ કેવિટી ખોલતાં તેમાંથી 5 પારદર્શક પોલિથીનમાં વેક્યૂમ પેક કરેલા પેકેટ્સ છુપાવેલા મળી આવ્યા હતા. આ પેકેટો ખોલીને જોતાં તેમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. કસ્ટમ્સ ટીમે તાત્કાલિક ફિલ્ડ ટેસ્ટિંગ કિટ દ્વારા તપાસ કરતા આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો હાઈડ્રોપોનિક મેરિજુઆના હોવાનું પ્રાથમિક પરીક્ષણમાં સામે આવ્યું હતું.
કસ્ટમ્સ વિભાગે કુલ 6.073 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરીને મ્યાનમારની મહિલા પેસેન્જર સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હાઈડ્રોપોનિક ગાંજાની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. મહિલા આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કોને આપવા જઈ રહી હતી અને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે.