રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર કડક સિકંજો કસતા સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. વીંછિયાથી મોટા માત્રા તરફ જતા રસ્તા પર આવેલી વાડીમાં SMC ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.
દરોડા દરમિયાન વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામના રહેવાસી આરોપી વિજય ભરત ખાચરની વાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫૫૬ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. ૯,૩૫,૨૩૦ થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એક સફેદ રંગની ક્રેટા કાર જેની કિંમત રૂ.૧૨,૦૦,૦૦૦ અને તેની આરસી બુક જપ્ત કરવામાં આવી છે. SMC એ સ્થળ પરથી કુલ રૂ. ૨૧,૩૫,૨૩૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી ગાંધીનગર SMCના પોલીસ ઈન્સપેક્ટર એસ.એમ. જાડેજાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. આ મામલે રાજકોટ ગ્રામ્યના વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(A), ૬૫(E), ૮૧, ૯૮(૨), ૧૧૬(B) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) ની કલમ ૨૩૮ અને ૧૧૧(૨)(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી વિજય ભરતભાઈ ખાચર (રહે. મોટા માત્રા, તા. વિંછીયા) તથા દારૂનો જથ્થો મોકલનાર શખ્સ હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. SMC અને સ્થાનિક પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અને દારૂનું નેટવર્ક ક્યાં સુધી વિસ્તરેલું છે તેની વધુ તપાસ શરૂ કરી છે.