BREAKING NEWS

મેટોડામાં કારખાનામાંથી રૂ.૬.૧૬ લાખની ચોરીમાં પૂર્વ કર્મી ઝડપાયો

  • December 02, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મેટોડા જીઆઇડીસીમાં આવેલા લેક્ષ્મો પોલીફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી રોકડ અને મોબાઇલ સહિત રૂપિયા 6.16 લાખની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને મેટોડા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી કંપનીમાં કામ કરનાર પૂર્વ કર્મચારી મહારાષ્ટ્રના શખસને પુનાથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 5.13 લાખની રોકડ બે મોબાઈલ ફોન સહિત 5.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં અમીન માર્ગ પર રહેતા દીપકભાઈ મોહનભાઈ ઘેડીયાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તારીખ 27/11/2025 ના તેમની મેટોડા જીઆઇડીસીમાં આવેલી લેક્ષ્મો પોલીફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કંપનીના એકાઉન્ટની ઓફિસનો દરવાજાનો લોક તોડી ટેબલના ડ્રોઅરમાંથી રૂપિયા છ લાખ પાંચસોની રોકડ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,16,500 ની મત્તા ચોરી થયાનું જણાવ્યું હતું.

ચોરીના આ બનાવને લઇ રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ એએસપી સિમરન ભારદ્વાજ, ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા અને મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં એલસીબી અને મેટોડાની પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ચોરીના બનાવમાં પૂર્વ કર્મચારીની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના પુના ખાતે પહોંચી હતી અને ત્યાંથી આરોપી ધનીરામ સિપાહી સરોજ પાસવાન (ઉ.વ. 18 રહે. બાલાજીનગર પુના, મહારાષ્ટ્ર મૂળ, બારેસા, પ્રયાગરાજ, યુપી) ને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 5.13 લાખ બે મોબાઈલ ફોન સહિત રૂ. 5.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ધનીરામ અગાઉ આ કારખાનામાં નોકરી કરતો હોય જેથી અહીં ત્યાં રોકડ રાખવામાં આવે છે તેનાથી તે વાકેફ હતો તેણે એકાદ વર્ષ પૂર્વે અહીં નોકરી મૂકી દીધી હતી. બાદમાં તેણે અહીં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને ચોરીના બનાવને અંજામ આપ્યો છે. આરોપીએ ચોરી કર્યા બાદ રોકડ રકમમાંથી રૂપિયા 20,000 નો મોબાઈલ ફોન ખરીદ્યો હતો. જે પણ પોલીસે કબજે કર્યો છે આ કામગીરીમાં એલસીબીના પીએસઆઇ એચ.સી. ગોહિલ, એએસઆઇ રવિદેવભાઇ બારોટ, બ્રિજરાજસિંહ જાડેજા, વકારભાઈ અરબ, રોહિતભાઈ બકોત્રા અને કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર સાથે રહ્યા હતા. જ્યારે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી. ઝાલા, એએસઆઇ મયુરસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ સુભાષભાઈ, રાજદીપસિંહ, રવુભા, ભાર્ગવભાઈ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રાજકોટ ગ્રામ્યના હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન ડાંગર અને અક્ષયરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતા.


ચાર થી છ મહિના નોકરી કરી સ્થિતિ જાણી ચોરીના કરતો

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ધનીરામ કોઈપણ જગ્યાએ ચારથી છ મહિના કંપનીમાં નોકરી કરી તેની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી મેળવી લઈ બાદમાં નોકરી મૂકી દેતો હતો. ત્યારબાદ કંપનીમાં ચોરી કરતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપી સામે મહારાષ્ટ્રના થાણે પોલીસ સ્ટેશનમાં અગાઉ ચોરીનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application