ગુજરાતમાં રસ્તા પર રઝળતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચાર વર્ષના બાળક પર કૂતરાના ટોળાએ હિચકારો હુમલો કર્યો હતો. આથી બાળક લોહીલૂહાણ થઈ ગયો છે. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે તેની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. માતા-પિતા માટે લાલબત્તી સમાન આ ઘટનાએ આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે.
બાળકના માથા સહિત શરીર પર કૂતરાઓએ 50થી વધુ જગ્યાએ ઈજા પહોંચાડી છે. હાલ બાળકની હાલત ગંભીર છે. માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને માતા આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.
સચિન વિસ્તારમાં ઘટના
મળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક ચાર કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો.
માથું ગંભીર રીતે ફાડી નાખ્યું
શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકાં ભર્યા હતા, જેના કારણે તેને પૂરા શરીરમાં 50થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો.
બાળકની હાલત અત્યંત ગંભીર
લોહીલુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે.