અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગત રાત્રે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી. મોડાસા-શામળાજી હાઈવે પર રાણસૈયદ ચોકડી પાસે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ રસ્તા પર દોડી રહી હતી ત્યારે અચાનક તેમાં ભીષણ આગ લાગતા અગનગોળો બની ગઈ હતી. જેમાં એક દિવસનું બાળક, નર્સ, ડોક્ટર સહિત ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. જ્યારે બે લોકોને ઈજા થતા સારવાર માટે મોડાસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાથી મોડાસા પંથકમાં અરેરાટી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, મોડાસાની એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં એક દિવસના નવજાત બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. એમ્બ્યુલન્સમાં બાળક, ડોક્ટર, નર્સ અને બાળકના સંબંધી સહિત કુલ છ લોકો સવાર હતા.
રાણાસૈયદ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા ચાલક અને બાળકના સંબંધી સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, એમ્બ્યુલન્સના પાછળના ભાગે બેઠેલા ચાર વ્યક્તિઓ ડોક્ટર, નર્સ, માસૂમ બાળક અને અન્ય એક વ્યક્તિ સમયસર બહાર નીકળી ન શકતાં આગની લપેટમાં આવી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં ચારેય લોકોના ઘટનાસ્થળે જ જીવતા ભડથું થવાના કારણે કરૂણ મોત નીપજ્યાં હતાં. આગ એટલી ભીષણ હતી કે મિનિટોમાં આખી એમ્બ્યુલન્સ બળીને ખાખ થઈ ગઈ હતી.
મોડાસાની રિચ હોસ્પિટલમાંથી બાળ દર્દીને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જતા હતા. એમ્બ્યુલન્સમાં આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી છે.
આ ગમખ્વાર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં રસ્તા પર ચાલતી એમ્બ્યુલન્સ અચાનક સળગવા લાગે છે અને ભીષણ આગના ગોળામાં ફેરવાઈ જાય છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ પર આભ તૂટી પડ્યું છે.