ગોધરામાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના વૃંદાવન નગર બે વિસ્તારમાં આ આગની ઘટના બની છે. ઘરમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના ચાલ લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગ લાગતા જ સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ છે અને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગોધરાના વૃંદાવન નગર વિસ્તારમાં સેતુ ક્લબ સામે એક રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી છે. જેમાં ભરનિંદ્રામાં રહેલા એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાથી પંથકમાં શોક વ્યાપી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, આજે સવારે સાત વાગ્યાની આસપાસ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં અચાનક આગ લાગી હતી. આગનો ધુમાડો ઝડપથી સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો. મકાનની ચારેય તરફ કાચ હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો. ધુમાડાના ગૂંગળામણથી ઘરમાં હાજર ચારેય વ્યક્તિના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ તંત્ર અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભોગ બનનાર તમામ ચારેય વ્યક્તિને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.