ગાંધીનગરમાં ધારાસભ્યો માટે ૨૨૦ કરોડ રૂપિયાના ખર્ચે બે-અઢી કરોડ રૂપિયાના લક્ઝુરિયસ ફ્લેટ બનાવી દેવામાં આવ્યા છે, છતાં જનપ્રતિનિધિઓનો મફતની સુવિધા ભોગવવાનો મોહ છૂટતો નથી. વિધાનસભાના ઉપાધ્યક્ષ, ચાર મંત્રીઓ સહિત ૪૦થી વધુ ધારાસભ્યોએ હજી સુધી જૂના ધારાસભ્ય ક્વાર્ટર્સ ખાલી કર્યા નથી. આ કિસ્સામાં શાસક પક્ષ ભાજપ હોય, વિપક્ષ કોંગ્રેસ હોય કે પછી 'આપ' જ્યારે મફતનું ભાડું અને સરકારી સુવિધા ભોગવવાની વાત આવે ત્યારે તમામ પક્ષો જાણે એક થઈ જતા હોય તેમ સાબિત થયું છે.
ગત દિવાળીથી જ તમામ ધારાસભ્યોને બે માસ્ટર બેડરૂમ, ડાઈનિંગ એરિયા, વેઈટિંગ રૂમ અને ઓફિસો જેવી અધ્યતન સુવિધાઓથી સજ્જ આલીશાન ફ્લેટ ફાળવી દેવાયા છે. આ વાતને એક વર્ષ વીતી જવા છતાં મંત્રીઓ અને ધારાસભ્યો રોજનું માત્ર સવા રૂપિયા ભાડું ધરાવતાં જૂના ક્વાર્ટર્સ ખાલી કરવા તૈયાર નથી. આવાસ ખાલી ન કરનારાઓમાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, વનમંત્રી પ્રવીણ માળી, શ્રમ-રોજગાર મંત્રી કાંતિ અમૃતિયા, સ્વરૂપજી ઠાકોર અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોર, સી.કે. રાઉલજી, પભુભા માણેક, હીરા સોલંકી અને ચિરાગ પટેલ જેવા ધારાસભ્યો પણ આ યાદીમાં છે.
કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ પણ આ સરકારી સુવિધા છોડવા તૈયાર નથી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શૈલેષ પરમાર, જિગ્નેશ મેવાણી, કિરટી પટેલ અને કાંતિ ખરાડીએ ક્વાર્ટર્સ પરનો કબજો જાળવી રાખ્યો છે. 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી તેમજ અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ અને એનસીપીના કાંધલ જાડેજાએ પણ જૂના આવાસ ખાલી કર્યા નથી. આટલું ઓછું હોય તેમ, આંધળી મફતખોરીનો લાભ લઈને ઘણા ધારાસભ્યોએ આ ક્વાર્ટર્સ પોતાના સગા-સંબંધીઓ, ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અથવા તો પોતાના સુરક્ષા કર્મીઓને બારોબાર રહેવા માટે પધરાવી દીધા છે.
આજે આ સરકારી આવાસો ખાનગી ગેસ્ટ હાઉસ કે હોસ્ટેલમાં ફેરવાઈ ગયા છે. વહીવટી તંત્ર રાજકીય દબાણ હેઠળ કોઈ નક્કર કાર્યવાહી કરી શકતું નથી, જેના કારણે ધારાસભ્યો લક્ઝુરિયસ ફ્લેટ અને જૂના ક્વાર્ટર્સ બંને સુવિધાઓ એકસાથે ભોગવી રહ્યા છે. અધિકારીક સૂત્રોનું કહેવું છે કે જો આ ક્વાર્ટર્સ જરૂરિયાતમંદ સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવે તો વેઈટિંગ લિસ્ટમાં બેઠેલા કર્મચારીઓને મોટો લાભ મળી શકે તેમ છે. તંત્ર દ્વારા નોટિસો આપવા છતાં કોઈ ક્વાર્ટર્સ ખાલી કરવા તૈયાર નથી, જે તંત્રની લાચારી અને નેતાઓની ઉદાસીનતા સ્પષ્ટ કરે છે.