પડધરીમાં રાત્રીના તસ્કર ટોળકીએ ત્રાટકી મેઇન બજારમાં આવેલી ચાર દુકાનને નિશાન બનાવી હતી. જેમાં દુકાનમાંથી વેપારની રોકડ રકમ, કેમેરો અને ડીવીઆરની ચોરી કરી ગયા હતા. ઉપરાંત અહીં સીસીટીવી કેમેરા પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. ચાર દુકાનને નિશાન બનાવી કુલ રૂપિયા 25,500 ની મત્તા તસ્કરો ચોરી કરી ગયા અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવને નહીં પડધરી પોલીસે અહીં આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવ અંગે રાજકોટમાં અયોધ્યા ચોક પાસે ઓસ્કાર સ્કાય પાર્કમાં રહેતા મૂળ પડધરીના વતની કિશનભાઇ રાજેશભાઈ કોટેચા(ઉ.વ.33) નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કિશનભાઇએ જણાવ્યું હતું કે, તેઓને પડધરી મેઇન બજારમાં ભવાની કૃપા મેન્સવેર નામની રેડીમેટ કપડાની દુકાન આવેલી છે. જે દુકાનમાં તે તથા તેમના મોટાભાઈ લક્ષેશભાઈ, તુષારભાઈ, પ્રતિકભાઇ સહિત ચારેય ભાઈઓ કામ કરે છે તેમજ તેમના પિતા પણ દુકાને બેસે છે. દુકાનમાં બીજા છ લોકો પણ કામ કરે છે તેમની દુકાન સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલી છે અને બે માળની દુકાન છે જેમાં રોજ 10 થી 15 હજારનું વેપાર થાય છે.
તારીખ 8/10 ના રાત્રીના દુકાન બંધ કરી હતી તે સમયે તેમના ભાઈ લક્ષેશનો ફોન દુકાનમાં ભુલાઈ ગયો હોય જેથી દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજનું રેકોર્ડિંગ મોબાઇલમાં જોતા અહીં દુકાનમાં ટેબલ પર મોબાઈલ પડ્યો હતો જેથી સવારે મોબાઈલ લઈ લઈશું તેવું વિચારી જતા રહ્યા હતા.
બીજા દિવસે સવારે અહીં દુકાને આવતા અહીં બાજુમાં આવેલી બાલાજી ટેલિકોમ નામની દુકાને માણસોનું ટોળું હોય જેથી બાલાજી ટેલિકોમના માલિક અરવિંદભાઈ કુંવરજીભાઈ કાવઠીયાને પૂછતા તેમણે કહ્યું હતું કે, રાત્રિના તેમની દુકાનમાં ચોરી થઈ છે ટેબલમાં પણ રોકડ રૂપિયા 5,000 તથા દુકાનમાં રાખેલ કેમેરો તોડીને લઈ ગયા છે. દુકાનના બીજા માટે શટર ઉંચુ કરી ચોરી કરવામાં આવી છે. બાદમાં કિશનભાઇએ પોતાની દુકાનમાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર જોવા મળ્યું ન હતું અને વેપારના રોકડ રૂપિયા 10,000 પણ ચોરી થઈ ગયા અને માલુમ પડ્યું હતું તેમજ બાજુમાં આવેલી પોપટલાલ નારણજી નામની કરિયાણાની દુકાનના માલિક અશોકભાઈ પોપટભાઈ કટારીયાની દુકાનમાં પણ ચોરી થઈ હતી જેમાં રોકડ રૂપિયા 6,000 તસ્કરો ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત અહીં આવેલી મયંક હાર્ડવેર નામની દુકાનમાં પણ ચોરી થયાનું માલુમ પડ્યું હતું આમ તસ્કરોએ રાત્રિના અહીં ત્રાટકી એક સાથે ચાર દુકાનના શટ્ટર તોડી રૂપિયા 25,500 ની મત્તા ચોરી કરી ગયા હતા.
ચોરીના આ બનાવને લઈ વેપારીઓ દ્વારા પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવતા પડધરી પોલીસે તાકીદે અહીં પહોંચી આસપાસના સીસીટીવી ચકાસી ચોરીના આ બનાવવાનું ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રીના અઢીથી પાંચ વાગ્યા દરમિયાન ચોરીની આ ઘટના બની છે.