ગુજરાતમાં રોકાણ માટે ફોક્સકોન 200 એકરથી વધુ જમીનની શોધમાં
ગુજરાતમાં રોકાણ માટે ફોક્સકોન 200 એકરથી વધુ જમીનની શોધમાં
August 27, 2026 11:18 AM
તાઇવાનની દિગ્ગજ કંપની અને વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર ફોક્સકોન ગુજરાતમાં મોટા રોકાણની શક્યતા શોધી રહી છે. કંપની ટેક્નોલોજી પાર્ક અને હાઈ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા માટે 200 એકરથી વધુ જમીનના પ્લોટની શોધ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોક્સકોને અમદાવાદ જિલ્લાના સાણંદ નજીકના એક જમીનના પ્લોટમાં ખાસ રસ દાખવ્યો છે. કંપનીના અધિકારીઓએ સાણંદ નજીકની જમીનનું સર્વેક્ષણ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં કંપની સ્થળને અંતિમ સ્વરૂપ આપવા અંગે નિર્ણય લઈ શકે છે.રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની મોબાઇલ ફોન સહિત અન્ય હાઈ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવા માગે છે. જોકે, ગુજરાત કંપની માટે એકમાત્ર વિકલ્પ નથી. ફોક્સકોન દેશના અન્ય રાજ્યોમાં પણ સંભવિત સ્થળોની તપાસ કરી રહી છે અને અંતિમ રોકાણનો નિર્ણય બાદમાં લેવામાં આવશે.ફોક્સકોનને ગુજરાતમાં રોકાણ માટે આકર્ષવા રાજ્ય સરકારે ખાસ પ્રોત્સાહનો અને જરૂરી તમામ સહાયની ઓફર કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી ઔદ્યોગિક નીતિ હેઠળ રાજ્યને વધુ રોકાણકાર-મૈત્રીપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફોક્સકોનના પ્રોજેક્ટ માટે જરૂરિયાત મુજબ વધારાના વિશેષ પ્રોત્સાહનો પણ આપવામાં આવી શકે છે.જો ફોક્સકોન ગુજરાતમાં આ પ્રોજેક્ટ સ્થાપવાનો નિર્ણય કરે છે તો રાજ્યના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મોટો વેગ મળી શકે છે. ગુજરાત હાલમાં સેમિકન્ડક્ટર અને મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલું સમગ્ર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાણંદની આસપાસની મજબૂત ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ આ રોકાણ માટે મહત્વપૂર્ણ બની શકે છે.ફોક્સકોનની ભારતમાં પહેલેથી જ મોટી હાજરી છે. ઉત્તર પ્રદેશમાં કંપની એચસીએલ ગ્રુપ સાથે મળીને યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર પાર્ક સ્થાપી રહી છે. આ ઉપરાંત, તમિલનાડુમાં કંપનીનું ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી યુનિટ કાર્યરત છે.કંપનીએ કર્ણાટકના બેંગલુરુ નજીક ટેક્નોલોજી હબ સ્થાપવાની યોજનાઓની પણ જાહેરાત કરી છે. હવે ગુજરાતમાં વધુ એક મોટા મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ માટે ફોક્સકોન દ્વારા સ્થળની તપાસ કરવામાં આવી રહી છે..જો આ રોકાણ ગુજરાતમાં આવે છે તો સાણંદ અને આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સ તથા સેમિકન્ડક્ટર ક્ષેત્રની સપ્લાય ચેઇનને મજબૂતી મળી શકે છે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે.