BREAKING NEWS

ફ્રાન્સમાં સરકાર વિરુદ્ધ મોટો વિરોધ: 5.5 લાખ લોકો રસ્તા પર, 1000થી વધુની ધરપકડ

  • October 18, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્રાન્સમાં સરકારની નીતિઓ અને વધતી મોંઘવારી સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે. દેશભરમાં સરકાર વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શન થયા છે, જેમાં અંદાજે 5.5 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગૃહ મંત્રી લૉરેન્ટ નુનેઝના જણાવ્યા અનુસાર માત્ર રાજધાની પેરિસમાં જ 1.10 લાખ લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જ્યારે આયોજકોએ આ સંખ્યા ઘણી વધારે હોવાનો દાવો કર્યો છે. આ પ્રદર્શન દરમિયાન પેરિસ સહિત રેનેસ, લિયોન અને માર્સિલે જેવા શહેરોમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પેરિસમાં પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગૅસના ગોળા છોડ્યા હતા.

પ્રદર્શન ઉગ્ર બનતા કેટલીક જગ્યાએ હિંસા અને આગજનીની ઘટનાઓ પણ બની હતી. કેટલાક પ્રદર્શનકારીઓ ઐતિહાસીક મૂર્તિઓ પર ચડી ગયા હતા અને સરકારી ઇમારતોમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પેરિસમાં પ્રદર્શન કરી રહેલી 36 વર્ષીય પૌલીને જણાવ્યું કે દેશમાં સંપત્તિ અને સત્તા ચોક્કસ લોકોના હાથમાં કેન્દ્રિત થઈ રહી છે. જ્યારે અન્ય નાગરિકોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોનના શાસનમાં લોકતંત્ર નબળું પડ્યું છે અને કેટલાક અબજોપતિઓ મીડિયાને નિયંત્રિત કરી રહ્યા છે.

આ આંદોલન પાછળનું મુખ્ય કારણ શાળાઓની ખરાબ હાલત અને મોંઘવારી છે. અગાઉ પણ ફ્રાન્સમાં વિદ્યાર્થીઓએ મોટા પાયે પ્રદર્શન કર્યા હતા, જે હવે વ્યાપક વિરોધમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા 15 વર્ષમાં જન્મદરમાં વધારો થવા છતાં શિક્ષણ ક્ષેત્રે ભંડોળમાં ઘટાડો થયો છે, જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે પરંતુ શિક્ષકોની પૂરતી વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓ અને યુવાનો વર્ગખંડોમાં ઓછી સંખ્યા, શિક્ષકો પર વધુ ખર્ચ અને પોલીસ હિંસા અટકાવવાની માંગ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રી એડુઆર ઝફ્રે સાથે અનેક બેઠકો થવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.


પ્રદર્શન સમાપ્ત થયા બાદ પેરિસમાં કેટલીક હિંસક ઘટનાઓ બની હતી, જ્યાં કેટલાક ઉપદ્રવીઓએ દુકાનોમાં લૂંટફાટ અને આગજની કરી હતી. જવાબમાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગૅસનો ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર સંઘર્ષમાં 1000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મૅક્રોને આ હિંસાની આકરી ટીકા કરી છે અને પોલીસ મથકો તથા સરકારી કચેરીઓ પર હુમલો કરનારાઓને કડક સજા આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, પોલીસની કડકાઈ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે તાજેતરની કાર્યવાહીમાં એક 14 વર્ષીય સગીરનું જડબું તૂટી જવાની ઘટના પણ સામે આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application