BREAKING NEWS

રેસિડેન્સીયલના બદલે કોમર્શિયલ સોલાર ફિટ કરી ઠગાઇ કરનાર મંથન સામે વધુ એક ફરિયાદ

  • December 31, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસિડેન્સીયલના બદલે કોમર્શિયલ સોલાર લગાવી સબસીડી ન અપાવી છેતરપિંડી કરનાર જામકંડોરણાના મંથન સતાસીયા સામે વધુ એક ગુનો નોંધાયો છે. રાજકોટમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં હેતા રહીસ દ્વારા આ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


આહિર ચોક પાસે રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.૧ માં રહેતાં દિપકભાઈ રામભાઈ બારડ (ઉ.વ.૩૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મંથન દિનેશ સતાસીયા (રહે.બોરીચા ગામ, જામકંડોરણા) નું નામ આપ્યું છે.


ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ચાંદીકામનો વેપાર કરે છે. એકાદ વર્ષ પહેલા પરિચિત મનસુખભાઇ ત્રાપસીયાએ તેના ઘરે સોલાર પેનલ નખાવેલ અને તેને સબસીડી મંજુર થઇ ગયેલ હોય જેથી તેના મારફતે કોઠારીયા રોડ સાંઇબાબા સર્કલ પાસે શ્રી ઇલેક્ટ્રીક્ટ વાળા મંથન સતાસીયાનો સંપર્ક કરેલ અને ઘરે સોલાર પેનલ નખાવવાનું નક્કી કરેલ અને બીજા દિવસે મંથન ઘરે આવેલ અને વાત કરેલ કે, સરકારની પી.એમ. સુર્ય ઘર યોજના અંતર્ગત રૂ.૧.૫૦ લાખમાં ૩.૨૫ કિલો/વોટ સોલાર પેનલ ફીટ કરી આપીશ અને તેમા તમને રૂ.૭૮ હજાર સબસીડી મળશે.


જે વાત કરતા સોલર પેનલ નાખવાનુ તેની સાથે નક્કી થયેલ અને મંથનના કહેવાથી સોલર પેનલ પેટે તેને રૂ.૧.૪૦ લાખનો ચેક તા.૧૦ ના મંથન સતાસીયાને આપેલ હતો. છએક મહિના બાદ આ મંથન સતાસીયાએ ઘરે સોલાર પેનલ ફીટ કરેલ અને પીજીવીસીએલનું મીટર પણ ફિટીંગ થઇ ગયેલ જેના આશરે એકાદ મહીના બાદ પણ મંથનના કહેવા મુજબ રૂ.૭૮ હજાર સબસીડી બેન્ક ખાતામાં જમા થયેલ ન હતાં.


જેથી મંથનનો સંપર્ક કરતા સરખો જવાબ મળેલ નહી. ત્યારબાદ જવાહર સોસાયટીમાં રહેતાં અશોકભાઈ રાદડીયા સાથે સંપર્ક થયેલ અને જણાવેલ કે, મે પણ મંથનભાઈ પાસે પીએમ સુર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ ફીટ કરાવેલ અને રૂ.૧.૫૦ લાખ આપેલ છે. પરંતુ સબસીડીના રૂ.૭૮ હજાર જમા થયેલ નથી. બાદમાં તેઓએ પીજીવીસીએલની ઓફીસ ખાતે ગયેલ અને જાણવા મળેલ કે, આ મંથન સતાસીયાએ પીએમ સુર્ય ઘર યોજનાના ઓનલાઇન પોર્ટલમાં માહીતી અપલોડ કરેલ નથી. જેથી સબસીડી મળવા પાત્ર નથી.


સોલાર પેનેલ ફિટીંગનું કામ કરતા અન્ય વ્યક્તિ સાથે વાત કરતા તેને સોલાર પેનલના સિરીયલ નંબર ચેક કરીને જણાવેલ કે, તમારી સોલાર પેનલની પ્લેટના સીરીયલ નંબર તથા બીલના સીરીયલ નંબર અલગ છે. તમોને રેસીડેન્શીયલની જગ્યાએ કોમર્શિયલ પેનલ ફીટ કરી આપી છે. આમ સબસીડી પાત્ર રેસીડેન્શીયલની જગ્યાએ કોમર્શીયલ પેનલ ફીટ કરી નાખી કુલ રૂ.૧.૫૬ લાખની છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીએ શહેરના કુલ ૭ લોકો સાથે ઠગાઈ આચરી છે. જે મામલે અલગ અલગ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application