રીક્ષા ચાલક યુવાનને તેની રીક્ષા ભાડેથી ચલાવનાર શખસે સોનાના બદલે બનાવટી વીંટી ધાબડી રૂ.40,000 ની છેતરપિંડી આચરી હતી. પૈસાની જરૂર હોવાનું કહી વીંટી વેચ્યા બાદ જૈન પણ વેચવા આવતા યુવાને લોન કરવા માટે ચેન ચેક કરાવતા ચેન અને વીંટી બંને અન્ય ધાતુના હોવાનું માલુમ પડ્યું હતું.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ રોડ પર અમરજીતનગર શેરી નંબર એકમાં રહેતા શૈલેષભાઈ શિવરામભાઈ રવિભાણ (ઉ.વ 37) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જાગનાથ જૈન દેરાસર પાછળ ઠક્કરબાપાવાસ નજીક રહેતા જીગ્નેશ કાળુભાઈ ઘાવરીનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 13 વર્ષથી રિક્ષા ડ્રાઇવિંગ તથા રીક્ષા ભાડે આપવાનું ધંધો કરે છે. બે વર્ષ પૂર્વે તેમણે રીક્ષા આરોપી જીગ્નેશ ઘાવરીને ભાડે ચલાવવા આપી હતી. ગઈ તારીખ 1/3/2025 ના રાત્રીના જીગ્નેશ ઘાવરીને પૈસાની તાત્કાલિક જરૂર પડતા શૈલેષભાઈને એરપોર્ટ રોડ પર અમરજીતનગર પાસે મળવા આવ્યો હતો અને તે વખતે તેણે વાત કરી હતી કે, મારે પૈસાની તાત્કાલિક જરૂર છે મારી પાસે એક સોનાની વીંટી છે જે મારે વેચવાની છે જેથી શૈલેષભાઈ એ કહ્યું હતું કે, કંઈ વાંધો નહીં જ્યારે તારી વેચવાની હોય ત્યારે મને કહેજે. બાદમાં એકાદ કલાક પછી જીગ્નેશનો ફોન આવ્યો હતો કે, હું સોનાની વીંટી લઈને રેલનગર સાધુવાણી રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં આવું છું તમે મને ત્યાં પૈસા લઈને આવો જેથી યુવાન અહીં રેલનગર ગયો હતો. જ્યાં જીગ્નેશે તેને સાત ગ્રામની 22 કેરેટની 916 હોલમાર્ક વાળી વીંટી બતાવી હતી અને કહ્યું હતું કે, આ વીંટી મારે રૂ. 40,000 માં વેચવી છે. જેથી જીગ્નેશભાઈએ રૂ. 40,000 રોકડા આપ્યા હતા. આઠેક દિવસ પછી જીગ્નેશે ફરી વાત કરી હતી કે, મારી પાસે અઢી ત્રણ તોલાનો ચેન છે જે મારે વેચવો છે.
જેથી શૈલેષભાઈએ કહ્યું હતું કે, આ ચેન મારે લેવો છે બાદમાં આ ચેન 2 લાખમાં વેચવાનું નક્કી થયું હતું. ત્યારબાદ જિજ્ઞેશે ચેન આપતા ફરિયાદીએ તેને હું તને બે ત્રણ દિવસમાં રૂ.2,00,000 પહોંચાડી દઈશ તેવી વાત કરી હતી. બાદમાં ફરિયાદીએ આરોપી જીગ્નેશને પૈસા ચૂકવવાના હોય જેથી ચેન લઈ ગોલ્ડ લોન કરાવવા માટે આઇટી ગોલ્ડ લોન ખાતે ગયા હતા. જ્યાં આ ચીન સોનાનું નહીં પરંતુ અન્ય ધાતુનો હોવાનું કહેતા યુવાને શંકા જતા તેના બેગમાં જીગ્નેશે આપેલી વીંટી પણ હોય તે ચેક કરાવતા તે પણ અન્ય ધાતુની હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેણે જીગ્નેશને ફોન કરી યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ ખાતે બોલાવતા જીગ્નેશએ કહ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ મારે પૈસાની બહુ જરૂર હતી અને હું દેણામાં છું એટલે મેં આવું કર્યું મને ખબર હતી કે આ વીટી અને ચેન સોનાનો નથી. ત્યારબાદ તેણે પૈસા પરત આપવાની વાત કરી હતી અને ચેક પણ આપ્યા હતા અને કહ્યું હતું કે, તમે ત્રણ મહિના બાદ આ એક વટાવી લેજો પરંતુ ચેક બાઉન્સ થયા હતા. ત્યારબાદ પૈસાની અવારનવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ન આપતા અંતે યુવાને પોતાની સાથે રૂ.40,000 ની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવી છે.