રાજકોટ શહેરમાં સાઇબર ફ્રોડ ના બનાવવાનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યું છે ત્યારે માત્ર અભણ વ્યક્તિઓ જ નહીં પરંતુ ભણેલ ગણેલ એજ્યુકેટેડ વ્યક્તિઓ સાયબર ગઠિયાઓના શિકાર વધુ પ્રમાણમાં બનતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક છેતરપિંડીની ઘટનામાં સાયબર ઠગોએ વોટ્સએપ ઓળખ બદલી નવી તરકીબ અપનાવી કંપની પાસેથી 25 લાખની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર પાસે આવેલી હાઇસ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં કાર્યરત એક પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે 25 લાખની છેતરપિંડી થયા અંગેની કંપનીના ડાયરેક્ટરે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી હાઈસ્ટ્રીટ એપાર્ટમેન્ટ બી-1201માં રહેતા અને ત્યાં જ કંપની સંચાલિત કરતા સાવન જયંતીલાલ ઉછડિયાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. જેમાં આરોપીએ મોબાઇલ 96001 76945નો ઉપયોગ કરી કંપનીના એકાઉન્ટન્ટનો સંપર્ક કર્યો હતો અને ધીસ ઇજ માય ન્યુ વોટ્સએપ નંબર તેવો મેસેજ મોકલી પોતાની ઓળખ આપી હતી.
બીજા દિવસે આરોપીએ કંપનીના ડાયરેક્ટર બની મેસેજ કરી પોતે મિટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવી તાત્કાલિક એડવાન્સ ચૂકવણી કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. કંપનીના બેન્ક બેલેન્સની માહિતી મેળવી ઈન્ડસઈન્ડ બેન્કની ભુવનેશ્વર બ્રાન્ચમાં આવેલા એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામના ખાતામાં 25 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ પણ વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યો હતો થોડા સમય બાદ સાચા ડાયરેક્ટરે એકાઉન્ટન્ટને પૂછપરછ કરતા ખુલ્યું કે, ઉપરોક્ત વોટ્સએપ નંબર તેમનો નથી અને તેમણે કોઈ ચૂકવણીની સૂચના આપી નથી.
ત્યારબાદ કંપની સાથે ફ્રોડ થયાનું ધ્યાને આવતા આ અંગે બેન્કને જાણ કરી એકાઉન્ટ ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાયા બાદ સાયબર હેલ્પલાઇન૧૯૩૦ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ, ઈન્ડસઈન્ડ બેન્કના ખાતાધારક તથા તપાસમાં ખૂલશે તેવા અન્ય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ સાયબર ક્રાઇમ ના પીઆઇ એમ એ ઝણકાત ચલાવી રહ્યા છે.