BREAKING NEWS

સેલ્ફ ડ્રાઇવમાં થાર ભાડે રાખી તેમજ મિત્રની સ્વીફ્ટ કાર લઈ જઈ આચરી છેતરપિંડી

  • December 11, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં પ્રિવેડિંગ શૂટ તેમજ બહારગામ જવા ના બહાને સેલ્ફ ડ્રાઇવમાં ટ્રાવેલ્સ માલિકને વિશ્વાસમાં લઈ લકઝરીયસ કાર ભાડેથી મેળવી બરોબાર વેચી મારવી કે ગીરવે મૂકી નાણા લઈ છેતરપિંડી આચરવાનું મસમોટું રેકેટ ધમધમી રહ્યું છે ત્યારે રાજકોટના ગઠીયા સામે આવી જ વધુ બે ફરિયાદ માલવીયાનગર અને તાલુકા પોલીસ મથકમાં નોંધાય છે જેમાં થાર કાર બે દિવસ માટે લઈ જઈ તેમજ સ્વીફ્ટ કાર મિત્રતામાં લઈ ગયા બાદ પરત ન આપી છેતરપિંડી આચરતા ગુના નોંધાયા છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના ચંદ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા ઉંમર વર્ષ 27 રહે સ્ટાર રેસીડેન્સી સાધુવાસવાણી રોડ વાળાએ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ફોરવીલ કાર સેલ્ફ ડ્રાઇવ થી ભાડે આપવાનો વ્યવસાય કરતા હોય તેમજ બ્રિજરાજસિહ સરવૈયા,શુભમ ચાવડા, ક્રિપાલસિંહ સરવૈયા સાથે બેસતા હોય તેમજ જય સોમનાથ સેલ્ફ રેન્ટલ કારવાળાની ઓફિસે હતા ત્યારે દર્પણ મણવર નામની વ્યક્તિનો ફોન આવેલ અને તેને વડોદરા જવા માટે બે દિવસ સેલ્ફ ડ્રાઈવ થી થાર કાર ભાડે જોઈતી હોય અંગે વાતચીત થઈ હતી.


જેથી બે કોરા ચેક આપી અન્ય ડોક્યુમેન્ટ તેમજ બે દિવસનું એડવાન્સ ભાડું 15000 એડવાન્સમાં આપી કાર જી.જે 03 પી. જે 9423 વાળી લઈ ગયા બાદ બે દિવસ વીતી ગયા બાદ પરત કાર નહીં આવતા દર્પણને ફોન કરતા તમારી કાર તારાપુર પાસે સોજીત્રા ગામે આમિર વોરા ને આપી દીધી છે તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.


જેથી કારનું જીપીએસ સિસ્ટમ ચેક કરતા સોજીત્રા ગામ નું બતાવતા ફરી ફોન કરતા દર્પણ નો સંપર્ક ન થતા ૧૬.૨૦ લાખની કાર લઈ જઈ છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


બીજી ફરિયાદમાં ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર બીપીનભાઈ રામજીભાઈ મારકણા ઉંમર 37 વાળા એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓની સ્વીફ્ટ કાર જી જે 03 પી જે 4907 મિત્ર દર્પણ મનસુખભાઈ મણવર રહે રિવેરા હોમ એપાર્ટમેન્ટ જીવરાજ પાર્ક વાળો પુના મહારાષ્ટ્ર ફરવા જવાનું કહી દસ દિવસ કાર લઈ ગયા બાદ પરત નહીં આપી ફોન કરતા કાર પુના પડી છે ત્યાં આવીને લઈ જજો તેમ કહી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો જે અંગે તાલુકા પોલીસ મથકમાં 9 લાખની કિંમતની કારની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application