BREAKING NEWS

સરકારની યોજનામાં મફત લેપટોપ અપાવી દેવાના બહાને ૩૬ હજારની ઠગાઈ

  • November 07, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં છેતરપિંડીના બનાવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે અભણ કરતા ભણેલ ગણેલ એજ્યુકેટેડ વ્યક્તિઓ અને સરકારી કર્મચારી પણ ઠગાઈ કરતા તત્વોની જાળમાં ફસાતા હોય છે તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બહુમાળી ભવન ખાતે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતાં સરકારી કર્મચારી ને કેન્દ્રની સરકારી યોજના હેઠળ લેપટોપ અપાવી દેવાના બહાને ચીટરે છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના પંડિત દિન દયાળનગર રંગોલી પાર્ક નજીક રહેતા મૂળ દુધાળા ગામના વતની એવા સરકારી કર્મચારી નિખિલ સોમાભાઈ પરમારે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમના ગીર-સોમનાથ જિલ્લાના દુધાળા ગામે રહેતા સંબંધી ડાયાભાઈ પરમારની દીકરી રાજકોટમાં બી સી એ કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી હોય ગુજરાત સરકારમાં અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન નિગમમાં નિશુલ્ક લેપટોપ સહાય યોજના હોય તો જણાવવા કહ્યું હતું.


તે દરમિયાન દીકરીની સહેલી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 2000માં લેપટોપ આપવામાં આવે છે તેવી અરજી કરેલ છે અને તે નાણાં રિફંડમાં પરત ખાતામાં જમા થાય છે તેવી હકીકત જણાવેલ આ અંગેની ડાયાભાઈએ નિખિલને વાત કરેલ પરંતુ તેણે કહેલ કે મારા ધ્યાને આવી કોઈ યોજના છે નહીં હું તપાસ કરાવી લઉં છું.


ત્યારબાદ ડાયાભાઈ પરમારે નિખલને કહ્યું હતું કે જયસુખ અરજણભાઈ સરવૈયા નામનો વ્યક્તિ છે જે સરકારના કૌશલ્ય સ્કીલ ડેવલપમેન્ટ વિભાગમાં એજ્યુકેશન નોડલ ઓફિસર તરીકે નોકરી કરે છે અને તે પછાત વર્ગના ગરીબ બાળકોને આ યોજનાનો લાભ અપાવતો હોવાની વાત કરી હતી.


જેથી નિખિલે તેની સાથે વાત કરી હતી. તે દરમિયાન જયસુખ સરવૈયાએ નિખીલને ફોન પર સંપર્ક કરતા ચાર વિદ્યાર્થીઓના લેપટોપ યોજના માટે નામ આપવા જણાવતા નિખિલે ચાર વિદ્યાર્થિનીના નામ આપ્યા હતા અને આઠ હજાર રૂપિયા જયસુખને મોકલ્યા હતા.


આ પછી જયસુખે વધુ ચાર હજાર માંગતા તે પણ આપ્યા હતા,આટલા પૈસા લીધા બાદ સરકારી કર્મચારી હોવાના નાતે નિખિલને પણ ૧૫,૦૦૦માં લેપટોપ મળશે તેવું કહેતા વધુ ૧૫,૦૦૦ રૂપિયા નિખિલે પણ આપ્યા હતા. આમ નિખિલે જયસુખ સરવૈયાને ૩૬, હજાર રૂપિયા આપ્યા હતા પરંતુ લેપટોપ ન મળતા અને ફોન કરવા છતાં ફોન ઉપાડતો ન હોય જયસુખ ગઠીયો હોવાનું ધ્યાને આવતા નિખિલ પરમારે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પીઆઇ એસ.ડી ગિલવા અને ટીમે તપાસનો દોર શરૂ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application