BREAKING NEWS

જામનગરના સીએ પર જીએસટીના દરોડા, રાતભર તપાસનો ધમધમાટ

  • January 07, 2026 06:05 PM 


જામનગરના વધુ એક સીએ પર જીએસટીના દરોડાથી શહેરભરમાં ભારે ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે. શહેરના ચાર્ટડ એકાઉટન્ટ બીપીન ભંડેરીની ગ્રીન સીટી રોડ પર આવેલ ઓફીસમાં સુરતથી જીએસટીની ડીજીજીઆઇની ટીમ ત્રાટકી હતી અને દસ્તાવેજો, ફાઇલો સહીત અન્ય સાહીત્યની ચકાસણી હાથ ધરી છે. બોગસ બીલીંગ અને જીએસટી નંબરની આશંકાના પગલે આ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે તપાસના અંતે જીએસટીનું વધુ એક મસમોટું કૌંભાડ ખૂલવાની શકયતા પણ નકારી શકાતી નથી.


જામનગર જીએસટી બોગસ બીલીંગનું એપી સેન્ટર બન્યું છે. આથી એક પછી એક મસમોટા કૌંભાડનો પર્દાફાશ થઇ રહ્યો છે. પરંતુ ચોંકાવનારી અને શંકાસ્પદ બાબત એ છે કે, જીએસટીના સ્થાનિક અધિકારીઓને આ કૌંભાડની ગંધ સુધા આવતી નથી. સેન્ટ્રલ જીએસટી અને ડીજીજીઆઇની ટીમો બહારથી આવીને આ કૌંભાડનો પર્દાફાશ કરી રહી છે. આથી સ્વાભાવિક રીતે સ્થાનિક અધિકારીઓની કામગીરી શંકાના અને સવાલોના દાયરામાં છે. આ સ્થિતિમાં શહેરના વધુ એક સીએ બીપીન ભંડેરી પર ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સ(ડીજીજીઆઇ)ની  સુરતની ટીમે મંગળવારે મોડી સાંજે દરોડા પાડયા હતાં. જે અંતર્ગત ડીજીજીઆઇની ટીમે શહેરમાં ગ્રીન સીટી રોડ પર આવેલી સીએની બી.આર.ભંડેરી એસોસીએટસ ઓફીસમાં સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી. 


સીએની ઓફીસમાં સર્ચની કાર્યવાહી દરમ્યાન ડીજીજીઆઇની ટીમના અધિકારીઓએ ફાઇલો, દસ્તાવેજો અને અન્ય સાહીત્ય તથા વ્યવહારોની ચકાસણી હાથ ધરી હતી. તદઉપરાંત કોમ્પ્યુટર સહીતના દસ્તાવેજ સંબધીત ઇલેકટ્રીક ઉપકરણોની પણ તપાસ કરી હતી. તપાસનો ધમધમાટ રાતભર ચાલ્યો હતો.


આટલું જ નહીં બુધવારના પણ તપાસ યથાવત રહી છે. બોગસ બીલીંગ અને જીએસટી નંબરની આશંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. તદઉપરાંત તાજેતરમાં પકડાયેલા જીએસટીના એક કૌંભાડમાં ખૂલેલા ચોંકાવનારા તથ્યો અને વિગતોને અનુસંધાને પણ દરોડા પાડવામાં આવ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે તપાસના અંતે જીએસટીનું વધુ એક મસમોટું કૌંભાડ ખૂલવાની શકયતા નકારી શકાતી નથી. ખૂબજ ટૂંકાગાળામાં શહેરમાં વધુ એક સીએ પર જીએસટીના દરોડાના પગલે ભારે ખળભળાટ મચી ગયો છે.


આવકથી વધુ સંપતિ સહીતના મુદે ગુપ્ત તપાસ થાય તો અનેક અધિકારીના તપેલા ચડવાની ભીતિ​​​​​​​

સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં જેમ જામનગર મોખરે છે, ત્યારે જામનગરમાં જીએસટી ચોરી અને કૌંભાડોના એકપછી એક ઘટસ્ફોટ થતા અને બોગસ બીલીંગે માઝા મૂકતા રાજયભરમાં શહેરનું નામ ખરડાઇ રહ્યું છે. ત્યારે જીએસટી કૌંભાડ અને બોગસ બીલીંગની પ્રવૃતિને ડામવા સ્થાનિક અધિકારીઓ મહદઅંશે નિષ્ફળ જતા કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે જો આવકથી વધુ સંપતિ સહીતના મુદે ગુપ્તરાહે તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓના તપેલા ચડવાની ભીતિ જીએસટી વિભાગ સાથે સંકળાયેલા જાણકારો અને તજજ્ઞોએ વ્યકત કરી છે. તાજેતરમાં જીએસટી વિભાગના કમિશ્નર બદલાયા છે. ત્યારે નવા કમિશ્નર આ દીશામાં તપાસ કરી દાખલારૂપ શિક્ષાત્મક કાર્યવાહી કરે તો જીએસટી કૌંભાડ અને બોગસ બીલીંગ પર નિયંત્રણ આવે તેવી ચર્ચા પણ ચોેમેર થઇ રહી છે. 


જીએસટીના ત્રણેક અધિકારી પર સસ્પેન્શન સહીતના આકરા પગલાંની લટકતી તલવાર 
જામનગર જીએસટી કૌંભાડનુંં હબ બની ગયું છે. બોગસ બીલીંગ અને ખોટા જીએસટી નંબરના અધારે કરોડોની આઇટીસી ક્રેડીટ મેળવવાના કૌંભાડનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. આ કૌંભાડનો પર્દાફાશ જામનગરના સ્થાનિક અધિકારીઓને અંધારામાં રાખી સેન્ટ્રલ જીએસટી અને ડીજીજીઆઇની ટીમો બહારથી આવીને કરી રહી છે. નવાઇની વાત તો એ છે કે, કૌંભાડો ખૂલ્યા બાદ પણ જીએસટીના સ્થાનિક અધિકારીઓ અને સ્ટેટ જીએસટીની ટીમ સુષ્પત અવસ્થામાં છે. આથી સ્થાનિક અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે અને ઉચ્ચકક્ષાએ ફરિયાદો પણ થઇ હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. આટલું જ નહીં આ કારણોસર જામનગર જીએસટીના ત્રણેક અધિકારીઓ પર સસ્પેન્શન સહીતના આકરા પગલાંની તલવાર લટકી રહી હોવાનું પણ જીએસટી વર્તુળોમાં સરેઆમ ચર્ચાઇ રહ્યું છે.​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application