જામનગરમાં બ્રાસપાર્ટના બે એકમમાંથી રૂ.૧૮ લાખની જીએસટી ચોરીનો પર્દાફાશ થયો છે. કૌંભાડોના હબ બનેલા જામનગરમાં આબરૂ બચાવવા એસજીએસટીએ પાડેલા દરોડામાં સ્ટોકમાં મસમોટી ગેરરીતિ ખૂલી છે. અલનૂર મેટલમાંથી રૂ.૮ લાખ, ચારભૂજા ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.૧૦ લાખથી વધુની ચોરી ઝડપાઇ છે. જયારે જયભવાની કાસ્ટીંગમાં તપાસ હજુ યથાવત હોય મોટા કડાકા ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
જામનગર બોગસ બીલીંગ કરી કરોડો રૂપિયાની ખોટી ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાનું જીએસટી કૌંભાડનું હબ બન્યું છે. ખૂબજ ટૂંકાગાળામાં કરોડોના જીએસટી કૌંભાડ ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ સ્થાનિક અને સ્ટેટ જીએસટીના અધિકારીઓને અંધારામાં રાખી પકડી પાડેલા કૌંભાડ તેનો બોલતો પુરવો છે. આ સ્થિતિમોં રહી રહીને આબરૂ બચાવવા અને કામગીરી દેખાડવા માટે સોમવારે સ્ટેટ જીએસટીની ટુકડીઓ દ્રારા શહેરના ઔધોગીક વિસ્તારોમાં બ્રાસપાર્ટના એકમોમાં દરોડા પાડયા હતાં. સ્ટેટ જીએસટીની ટુકડીઓએ શહેરના ઔધોગીક વિસ્તારોમાં આવેલા અલનૂર મેટલ, જય ભવાની કાસ્ટીંગ અને ચારભૂજા ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન એસજીએસટીના અધિકારીઓએ ઇનવોઇઝ, ખરીદ-વેચાણના બીલ, કોમ્પ્યુટર સહીતના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. બે દીવસ ચાલેલી તપાસના અંતે બે એકમોમાં સ્ટોકમાં મસમોટી ગેરરીતિનો પર્દાફાશ થયો છે. આથી અલનૂર મેટલમાંથી રૂ.૮ લાખ અને ચારભૂજા ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.૧૦ લાખથી વધુની જીએસટી ચોરી ખૂલી હોવાનું એસજીએસટીના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, જયભવાની કાસ્ટીંગમાં સતત ત્રીજા દીવસે તપાસની કામગીરી યથાવત રહેતા મોટા કડાકા-ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જીએસટી કૌંભાડના હબ બનેલા જામનગરમાં વધુ રૂ.૧૮ લાખની જીએસટી ચોરી ઝડપાતા ચકચાર જાગી છે. ત્યારે બે દીવસ ચાલેલી તપાસના અંતે ફકત રૂ.૧૮ લાખની જીએસટી ચોરી ઝડપાતા સર્ચની કાર્યવાહીમાં કંઇ કાચું કપાયું નથી કે કાપવામાં આવ્યું છે તે સવાલ પણ ઉઠ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application