BREAKING NEWS

જામનગરના સીએ પર જીએસટી તપાસનો ગાળિયો કસાયો, ૩૦ કલાકથી વધુ સર્ચ ઓપરેશન..!

  • January 08, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના સીએ પર જીએસટી તપાસનો ગાળિયો વધુ કસાયો છે. કારણ કે, ૩૦ કલાકથી વધુ સમયથી સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલી રહી છે. જીએસટી કૌંભાડ હબ જામનગરમાં વધુ એક લાંબી તપાસથી મોટા કડાકા-ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આટલું જ નહીં અન્ય ચોંકાવનારી હકીકતોના પર્દાફાશની શકયતા પણ નકારી શકાતી નથી. તપાસ દરમ્યાન ડીજીજીઆઇના અધિકારીઓએ શંકાસ્પદ સાહીત્ય સહીતના દસ્તાવેજો જપ્ત કર્યાનું પણ જાણવા મળ્યું છે. 


રાજયભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગરમાં જીએસટી બોગસ બીલીંગે માઝા મૂકી છે. શહેરમાં એક પછી એક મસમોટા કૌંભાડનો થઇ રહેલો પર્દાફાશ તેનો બોલતો પુરાવો છે. સ્થાનીક જીએસટી અધિકારીઓની ફોજ હોવા છતાં સેન્ટ્રલ જીએસટી અને ડીજીજીઆઇની ટીમો બહારથી આવીને આ કૌંભાડનો પર્દાફાશ કરતા સ્થાનિક અધિકારીઓની કામગીરી રહસ્યના તાણાવાણા સર્જી રહી છે. આ સ્થિતિમાં બોગસ બીલીંગના એપી સેન્ટર બનેલા જામનગરમાં સીએ બીપીન ભંડેરી પર ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સ (ડીજીજીઆઇ)ની  સુરતની ટીમે મંગળવારે મોડી સાંજે દરોડા પાડયા હતાં અને શહેરમાં ગ્રીન સીટી રોડ પર આવેલી તેની બી.આર.ભંડેરી એસોસીએટસ ઓફીસમાં સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી. 


સીએની ઓફીસમાં હાથ ધરવામાં આવેલી સર્ચની કાર્યવાહી મંગળવારે આખી રાત અને બુધવારે પણ દિવસભર એટલે કે કુલ ૩૦ કલાકથી વધુ સમયથી ચાલી  રહી છે. આ દરમ્યાન ડીજીજીઆઇની ટીમના અધિકારીઓએ ફાઇલો, દસ્તાવેજો અને અન્ય સાહીત્ય તથા કોમ્પ્યુટર સહીતના ઇલેકટ્રીક ઉપકરણો કે જેમાં દસ્તાવેજો   અને સાહીત્ય સચાવવામાં આવે છે તેની પણ તપાસ કરી હતી.

​​​​​​​આટલું જ નહીં શંકાસ્પદ સાહીત્ય સંબધીત દસ્તાવેજો જપ્ત કરાવામાં આવ્યાનું પણ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.  ત્યારે જીએસટી કૌંભાડના હબ જામનગરમાં વધુ એક લાંબી તપાસથી મોટા કડાકા-ભડાકાના એંધાણની શકયતા નકારી શકાતી નથી. ખાસ કરીને બોગસ બીલીંગ અને જીએસટી નંબરની આશંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે તપાસના અંતે ખૂબજ ચોંકાવનારી હકીકતો ખૂલવાની આંશકા પણ અતરંગ સૂત્રોએ વ્યકત કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application