ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પાંચમા નંબરે બેટિંગ કરવા ઉતરેલા તિલક વર્માએ આક્રમક અંદાજમાં રમતા અણનમ 101 રન બનાવ્યા હતા. આ તોફાની ઇનિંગમાં તેણે 7 ગગનચુંબી છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. 224.44 ના સ્ટ્રાઈક રેટથી રમીને તિલકે સાબિત કરી દીધું કે તે મુંબઈની ટીમનો સૌથી ભરોસાપાત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન છે.
સનથ જયસૂર્યાની કરી બરાબરી
આ સદી સાથે તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તિલક વર્મા હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર સંયુક્ત રીતે પ્રથમ ખેલાડી બની ગયો છે. આ અગાઉ 2008માં સનથ જયસૂર્યાએ ચેન્નાઈ સામે 45 બોલમાં સદી ફટકારી હતી. તેણે સંજુ સેમસનનો (52 બોલ) રેકોર્ડ તોડીને આઈપીએલ 2026ની સૌથી ઝડપી સદી ફટકારવાનું બહુમાન મેળવ્યું છે.
ધીમી શરૂઆત બાદ વિસ્ફોટક અંત
તિલક વર્માની આ ઇનિંગ કોઈ ચમત્કારથી ઓછી નથી. તેની બેટિંગ બે અલગ ભાગમાં વહેંચાયેલી જોવા મળી. શરૂઆતના 20 બોલમાં તિલક માત્ર 17 રન બનાવીને સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ 90 થી પણ ઓછો હતો. 21મા બોલથી તિલકે આક્રમક ગિયર બદલ્યું. અશોક શર્માની એક જ ઓવરમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 26 રન ઝૂડી કાઢ્યા. તેણે છેલ્લી 23 બોલમાં 356 ના સ્ટ્રાઈક રેટથી 82 રન બનાવ્યા હતા.
ખરાબ ફોર્મનો આપ્યો જડબાતોડ જવાબ
આ મેચ પહેલા તિલક વર્મા અત્યંત ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. છેલ્લી પાંચ મેચોમાં તેણે માત્ર 43 રન બનાવ્યા હતા અને તેની સરેરાશ માત્ર 8.6 ની હતી. ટીકાકારોના નિશાના પર રહેલા આ ખેલાડીએ ગુજરાત સામેની આ ઇનિંગથી બધાના મોઢા બંધ કરી દીધા છે. મુંબઈ માટે આ સદી ખૂબ જ મહત્વની સાબિત થઈ છે કારણ કે ટીમ મધ્યમ ક્રમમાં મજબૂતી શોધી રહી હતી.
આઈપીએલમાં તિલક વર્માની આ પ્રથમ સદી છે, જેણે તેને રાતોરાત ફરી એકવાર લાઈમલાઈટમાં લાવી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે આ જીત જેવી જ ખુશીની ક્ષણ છે.