BREAKING NEWS

અગ્નિકાંડમાં ગેમ ઝોનના માલિક ધવલ ઠક્કરની જામીન અરજી પણ મંજૂર

  • December 03, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આરોપીઓના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર થવાનો સિલસિલો શરૂ થયો હતો, તેમાં હવે સૌથી છેલ્લે ગેમ ઝોનના સંચાલક ધવલ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર)ની જામીન અરજી પણ સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ, નાના મવા નજીક મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ જવાના બનાવમા સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), ખેડૂત અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા જૈન, રાજકોટ મહા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સહિત 16 જેટલા લોકો સામે ગુનો નોંધાયો હતો, તેમાં બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે દુર્ઘટના સર્જાય હોવાનું બહાર આવ્યું હતું. તેમાં એક આરોપીનું મૃત્યુ થતાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરી કોર્ટની સૂચનાથી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા ઉપર આવ્યો હતો, દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સહિતના આરોપીઓના મંજૂર થતા આ આરોપીઓને પેરિટીમાં જામીન ઉપર છૂટવા અન્ય આરોપીઓએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી મંજુર થવાનો સિલસિલો શરૂ થયો હતો. તેમાં હવે જેલ હવાલે રહેલા છેલ્લા આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ઠક્કરની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ મુખ્ય આરોપીઓને જામીન મુક્ત કરાતા તે હુકમના આધારે કોર્ટે ધવલ ઠક્કરની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application