ગોંડલના ભગવતપરામાં આવેલા પૌરાણિક સતી માતાજીના સ્થાનક પરિસરમાં છેલ્લા 17 વર્ષથી ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 'કોળી વાડના દાદા ગણેશ ઉત્સવ' દ્વારા પર્યાવરણના જતન અને 'વેસ્ટમાંથી બેસ્ટ'ના સંદેશ સાથે 501 ફૂટ લાંબી 'કાલિયા નાગ' થીમ પર એક વિશાળ અને રોમાંચક ગુફા બનાવવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
70 દિવસની મહેનત અને વપરાયેલી સામગ્રી
આ ભવ્ય પંડાલ અને 501 ફૂટ લાંબી, 26 ફૂટ પહોળી તેમજ 12 ફૂટ ઊંચી ગુફા તૈયાર કરવામાં આયોજકોને 70 દિવસ (લગભગ બે મહિના)નો સમય લાગ્યો હતો. ગુફાના નિર્માણમાં સંપૂર્ણપણે નકામી અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓનો ઉપયોગ કરાયો છે. જેમાં 4000 ડુંગળી-લસણની નેટ, 500 કિલો પસ્તી, 2200 પ્લાસ્ટિકના ઝબલા, 600 ખાલી પ્લાસ્ટિકના કેરેટ, 2400 થર્મોકોલની ડિશ, 400 વાંસની મોટી ટોપલીઓ, 400 બેનરના રાઉન્ડ ભૂંગળા, 100 વેસ્ટ બેનરો, 50 બંધ દીવાલ ઘડિયાળ, પેંડાના ખાલી બોક્સ, વડની વડવાઈઓ, વાંસ-ખપાટ, 150 કિલો વારો, 500 ફૂટ તાલપત્રી અને 880 કિલો POP જેવી સામગ્રી વપરાઈ છે.
ગુફામાં અદભૂત થીમ અને દિવ્યતા
ગુફામાં પ્રવેશ કરતા જ દર્શનાર્થીઓને કાળા અને સફેદ ઝબલામાંથી બનાવેલી પથ્થરની થીમ, 12 જ્યોતિર્લિંગના દર્શન અને વડવાઈઓની સજાવટથી દિવ્ય અને આહલાદક વાતાવરણનો અનુભવ થાય છે. આયોજકો દ્વારા દરરોજ અલગ-અલગ શણગાર અને થીમ રજૂ કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 'ભૂતડા'ની થીમ રખાઈ હતી, જેમાં સ્વયંસેવકોએ ભૂતનો પહેરવેશ ધારણ કરી ડરામણા અવાજો સાથે દર્શનાર્થીઓને રોમાંચ અને ભયનો અનુભવ કરાવ્યો હતો.
26 શેષનાગની થીમ અને ગણેશજીની પ્રતિમા
ગુફાના અંતિમ ભાગમાં 8 ફૂટની અત્યંત આકર્ષક ગણેશ મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિની પાછળ 26 શેષનાગની વિશિષ્ટ થીમ તૈયાર કરવામાં આવી છે અને ગણેશજીના હાથમાં ડમરાવાળું ત્રિશૂળ શોભી રહ્યું છે.
ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થા
શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. આગ જેવી કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે ગુફામાં સાત એક્ઝિટ (બહાર નીકળવાના) દરવાજા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાણીના 8 બેરલ અને 12થી વધુ રેતી ભરેલા ડબ્બા (ફાયર સેફ્ટી) તૈનાત રખાયા છે.
આ સમગ્ર માસ્ટર પ્લાનિંગને સફળ બનાવવા સુરેશભાઈ મકવાણા, હિતેશભાઈ ડાભી, મહેશભાઈ કોલી તેમજ RSS અને માંધાતા રાત્રી શાખાના 60 જેટલા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી છે. ગત વર્ષે અમરનાથ ગુફાની થીમ બાદ આ વર્ષે કાલિયા નાગની ગુફાનો નજારો મોબાઈલમાં કેદ કરવા સવારથી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.