પીજીવીસીએલ કચેરી દ્વારા સરધાર વિસ્તારમાં અલગ અલગ વાડીઓમાં ટ્રાન્સફોર્મર લગાવવામાં આવેલા હતા.જેમાંથી સાત ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી થયા અંગે ફરિયાદ નોંધવવામાં આવી હતી. આજીડેમ પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી બેલડીને લાપાસરી ગામ પાસે આવેલ ચોકડી પાસેથી ઝડપી લીધી હતી. પૂછપરછ દરમિયાન અન્ય બેના નામ પણ ખુલ્યા હતા. પોલીસે વાયર અને મોટર સાઇકલ સહિત કુલ.રૂ. ૧,૦૮,૭૫૦ નો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, સરધારમાં વાડી વિસ્તારમાં લગાવેલ સાત ટ્રાન્સફોર્મરમાંથી કેબલ વાયર ચોરી થયા અંગેની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.બનાવને લઇ ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ અને એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી. જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એસ.વી.ગોહિલ તથા ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાંગભાઈ પાલા, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઈ બોળીયાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે લાપાસરી ગામથી આગળ આવેલ ચોકડી પાસેથી બે શંકાસ્પદ શખસોને પકડી પાડી પૂછપરછ કરતા તેમના નામ હઠૂ કાનજીભાઈ ચારોલીયા (ઉં વ ૪૦)(રહે સ્વામિનારાયણ મંદિર હરિપર રોડ ગૌશાળા ની બાજુમાં, ઝૂંપડામાં સરધાર), વિશાલ ઉર્ફે ભૂરો રમેશભાઈ વાઘેલા (ઉં વ ૧૮)( રહે કઠવા ગામ કઠૂલી માં ના મંદિરની પાસે ભાવનગર) નામ જણાવ્યું હતું.
વધુ પૂછપરછ કરતા બન્ને શખસોએ સરધાર વિસ્તારના અલગ અલગ સ્થળેથી સાત ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુમિનિયમના વાયરની ચોરી કર્યાની કબુલાત આપી હતી. તેમજ તેમની સાથે અન્ય બે શખસો સામેલ હોવાનું જણાવ્યું હતું.જેમના નામ સુરેશ વેરશી વાઘેલા અને વિજય વાઘેલા જણાવ્યું હતું. પોલીસે પકડાયેલા બન્ને શખસો સામે કાર્યવાહી કરી અન્ય બેને પકડવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પી.આઈ. એ.બી.જાડેજા , પી.એસ.આઇ એસ.વી. ગોહિલ, એ.એસ.આઈ. હારૂણભાઇ ચાનિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ચિરોડિયા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઈ બારોટ, દેવાંગભાઈ પાલા, ભરતભાઈ જોગીયા, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, દેવાભાઈ ધરજીયા, મહેશભાઈ કોઠીવાળ, વિશ્વરાજસિંહ પરમાર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ધારાબેન મેઘાણી સાથે રહ્યા હતા.
બેલડી પાસેથી પોલીસે કબજે કરેલ કુલ મુદામાલ
પકડાયેલ બે શખસો તેમજ અન્ય પકડવાના બાકી બે શખસોએ સાથે મળી સરધારના વાડી વિસ્તારમાંથી સાત ટ્રાન્સફોર્મર માંથી કોપર અને એલ્યુમિનિયમના વાયરનો કુલ ૭૫ કિગ્રા. જેની કિંમત રૂ. ૬૩,૭૫૦ પોલીસે કબજે કર્યા હતા.તેમજ રૂ.૪૫ હજારની કિંમતનું બાઈક સહિત કુલ રૂ. ૧,૦૮,૭૫૦ નો મુદામાલ કબ્જે કરી શખસો સામે કાર્યવાહી કરી.