શહેરના ભગવતીપરામાં જૂની માથાકૂટનો ખાર રાખી રિક્ષામાં જતા બે મિત્રોને આંતરી ધોકા-પાઇપથી છ થી સાત શખ્સોએ જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં યુવકના પગ ભાગી ગયા હોવાનું નિદાન થયું હતું. હુમલાખોર શખસોએ રિક્ષા સહિતના વાહનોમાં ધોકા-પાઇપના ઘા મારી તોડફોડ કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસે રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.વ.૨૭)નો બપોરે બારેક વાગ્યે મિત્ર સિકંદર હારૂનભાઇ રાઉમાની રિક્ષામાં બેસી ચા પીને પરત ઘરે જતો હતો ત્યારે આઝમ ચોકમાં પહોંચતા જાહીદ ઉર્ફ જાવલો, ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજી મંડપ વાળના ત્રણ છોકરા સહિતના છથી સાત શખ્સોએ રિક્ષા આંતરી ધોકા-પાઇપ વડે તૂટી પડતા યુવકને હાથ પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ટોળકીએ સમીરના મિત્ર સિકંદરની રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. દેકારો થતા લોકોના ટોળા ભેગા થવા લાગતા શખસો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઈ એસ. એસ. રાણે, પીએસઆઈ જે.આર.સોલંકી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
હોસ્પિટલના બિછાને રહેલા સમીર સોરાના કહેવા મુજબ હું ક્લીનર તરીકે છૂટક મજૂરી કામ કરું છું, આજે બપોરે હું અને મારો મિત્ર સિકંદર તેની રિક્ષામાં બેસીને આઝાદ ચોકમાં ચા પીવા માટે ગયા હતા ત્યાંથી ચા પીને પરત ફરતા હતા ત્યારે આઝમ ચોકમાં ભગવતીપરાના જાહીદ ઉર્ફ જાવલો યુસુફભાઈ ગૌરાંગ ઉર્ફે ગવલો અરવિંદ બાવાજી મંડપ સર્વિસવાળાના ત્રણ દીકરા સહિતનાએ સ્કૂટરમાં આવ્યા હતા અને રિક્ષા આડે વાહન રાખી તું કેમ સિકંદર ભેગો ફરે છે ? કહી સીધા ધોકા પાઇપ લઈને આડેધડ ઘા મારવા લાગ્યા હતા. મને હાથે-પગે અને શરીરના ભાગે ઇજા થઇ છે અને સિકંદરની રિક્ષામાં તોડફોડ કરી હતી.
આ હુમલો કરવા પાછળનું કારણ સમીરે જણાવ્યું હતું કે, મિત્ર સિકંદર રાઉમાના ભાઈને ઘણા સમય પહેલા ગૌરાંગ ઉર્ફ ગવલાના પિતા સાથે ગાળ બોલવા બાબતે બોલાચાલી થયા બાદ માથાકૂટ થઇ હતી તે સમયે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ત્યારથી ગવલો અને તેનો મિત્ર જાહીદ ઉર્ફ જાવલો સહિતના મારા મિત્ર સિકંદર સાથે અવાર નવાર ઝગડાઓ કરી ધમકીઓ આપતા હતા. જયારે આજે અમે બન્ને સાથે હતા એ જોઈ તું કેમ સાથે રખડે છે કહી હુમલો કર્યો હતો. બનાવના પગલે એ ડિવિઝન પોલીસે શખ્સો વિરુદ્ધ સમીર સોરાની ફરિયાદના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.