BREAKING NEWS

કટારીયા ચોકડી પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં ટોળકીનો ઘર પર પથ્થરમારો: દંપતીને ઇજા

  • January 07, 2026 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કટારીયા ચોકડી પાસે આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં ટોળકીએ રાત્રીના ધમાલ મચાવી હતી. ઘર પર પથ્થરમારો કરતા દંપતીને ઇજા પહોંચી હતી આ શખસોએ બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘરની બાજુમાં આવેલા વંડામાંથી એક શખસ દંપતીના ઘરે પાણી પીવા આવતા પાલતુ શ્વાન કરડતા ડખ્ખો કર્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે બે કારમાં ધોકા સાથે આવેલા શખસો સહિત નવ શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


કટારીયા ચોકડી નજીક આવેલા મોદીનગર લક્ષ્મીનારાયણ સોસાયટી પાણીના ટાંકાની સામે રહેતા જ્યોત્સનાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ. 28) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામ સોલંકી, તુફાન બાબરીયા, લાલુ ચંદુભાઈ મૈયડા તથા 6 અજાણ્યા શખસોના નામ આપ્યા છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પતિ દીપકભાઈ તથા પુત્ર જયરાજ અને ધ્રુવ સાથે રહે છે. મહિલા આરએમસીમાં છેલ્લા સાત વર્ષથી સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે.


ગઈ તા. 4 ના સાંજના 7:30 વાગ્યા આસપાસ તે પતિ અને બાળકો સાથે ઘરમાં હતા ત્યારે બાજુમાં આવેલ વંડો જે અંદાજે 400 વારનો હોય જે રામભાઈ સોલંકી તથા તુફાનભાઈ બાબરીયા, ચંદુભાઈ મૈયડા નો હોય ત્યાં તે અવારનવાર આવતા હોય અને તેમના માણસો પણ ત્યાં બહાર બેસતા હોય અને તેમના માણસો ઘણીવાર ફરિયાદીના ઘરેથી પીવા માટે પાણી લઈ જતા હોય છે.


દરમિયાન અહીંથી એક માણસ ફરિયાદીના ઘરે પાણી લેવા માટે આવ્યો હતો તે વખતે અહીં પાલતુ શ્વાન તેની તરફ દોડતા તે બહાર ભાગી ગયો હતો બાદમાં ફરિયાદી તથા તેના પછી ઘરની બહાર નીકળી આ શખસને સમજાવ્યું હતું કે, તું પૂછ્યા વગર કેમ ઘરમાં આવે છે? આમ કહેતા તેણે કહ્યું હતું કે, આની પહેલા પાણી લેવા આવ્યો હતો તેમ આજે પણ આવ્યો હતો અને તમારા કુતરાએ મને બટકું ભર્યું છે. તેવું કહેતા તેને જોતા ફક્ત હાથના ભાગે ઉઝરડો પડ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેને કહ્યું હતું કે, આમાં તારે ઇન્જેક્શન નહીં લેવું પડે કારણ કે અમારા કૂતરાને ઇન્જેક્શન અપાવીએ છીએ. તેવું કહેતા આ શખસ ઉશ્કેરાયો હતો અને તેણે રામ સોલંકી, તુફાન અને ચંદુભાઈને ફોન કરી જાણ કરતા તેઓએ ફોન કરી અન્ય માણસોને પણ ઝઘડો કરવા માટે બોલાવ્યા હતા.


થોડીવારમાં છ જેટલા શખસો અહીં આવ્યા હતા અને તેમણે મોઢે રૂમાલ બાંધ્યો હોય બે કાર જેમાં એક કાળા કલરની વર્ના અને બીજી આઇ- 20 કાર હતી.આ શખસોના હાથમાં ધોકા હોય ફરિયાદી તથા તેમના પતિ ઘર બહાર ઉભા હતા ત્યારે આ શખસોએ હુમલાનો પ્રયાસ કરતા ફરિયાદી તથા તેમના પતિ ડરના લીધે ઘરમાં જતા રહ્યા હતા બાદમાં આ શખસોએ ઘર પર પથ્થરમારો કર્યો હતો જે પથ્થર વાગતા ફરિયાદી તથા તેમના પતિને મૂઢ ઇજા થઈ હતી. આ શખસોએ પતિ-પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.જે. લાઠીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application