રાજકોટ ગ્રામ્યની એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે જસદણમાં ખાનપર રોડ પર આવેલી સીટ કવરની દુકાનમાં દરોડો પાડી અહીંથી ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. સીટ કવરની આડમાં અહીં ગાંજાનો વેપલો થતો હતો. પોલીસે સીટ કવરના ધંધાર્થીને ઝડપી લઇ પુછતાછ કરતા જસદણના વડલાવાડીમાં રહેતા શખસે ગાંજો સપ્લાય કર્યાનું ખુલ્યું હતું. જેથી પોલીસે રૂપિયા 34,600 ની કિંમતનો 692 ગ્રામ ગાંજો અને મોબાઈલ સહિત 396 નો મુદ્દામાલ કબજે કરી માદક પદાર્થ સપ્લાય કરનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વેચાણ તથા હેરફેરની પ્રવૃત્તિ કરતા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડને હકીકત મળી હતી કે, જસદણમાં ખાનપર રોડ પર આવેલી ડિલકસ સીટ કવર નામની દુકાનમાં ધંધાર્થી સીટ કવરની આડમાં માદક પદાર્થનો વેપલો કરે છે. આ હકીકતના આધારે અહીં દરોડો પાડ્યો હતો.પોલીસે અહીં દુકાનમાં તપાસ કરતા રૂપિયા ૩૪,૬૦૦ ની કિંમતનો 692 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂપિયા 39,600 નો મુદ્દામાલ કબજે કરી ધંધાર્થી અફઝલ હનીફભાઈ સોલંકી (ઉ.વ. 25 રહે. હાલ જસદણ ગેબનશા સોસાયટી શેરી નંબર 2, મૂળ કોટડાપીઠા તા. બાબરા) ની અટકાયત કરી હતી. પોલીસે આ શખસની પૂછતાછ કરતા ગાંજાનો જથ્થો તેને જસદણના વડલાવાડીમાં રહેતા મનોજ ઉર્ફે જોન મહેશભાઈ જેઠવાએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ બંને શખસો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી માદક પદાર્થની સપ્લાય કરનાર મનોજ ઉર્ફે જોનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application