જામનગરમાં શહેરમાં ટ્રાફીકથી વ્યસ્ત મુખ્ય માર્ગો પર ગેપમાં જંકશન ટુ જંકશન અને મેઇન રોડ ટુ ક્રોસીંગના માપદંડના નિયમો નેવે મૂકી મુખ્ય માર્ગો પર મૂકાયેલા ગેપ શહેરીજનો માટે આફત બન્યા છે. ત્યારે આજકાલ દ્રારા ઝુંબેશ શરૂ કરી ગેપના કારણે માર્ગો પર ચકકાજામની સ્થિતિ સર્જાઇ રહી હોવાના તસ્વીર સાથેના અહેવાલ પ્રકાશીત કરવામાં આવી રહ્યા છે.
જેમાં પ્રથમ શહેરના ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ અને ત્યારબાદ પીએન માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, શરૂ સેકશન રોડ, અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટીંગ યાર્ડ અને ગુલાબનગર, જનતા ફાટક તથા સાધના કોલોનીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીનો માર્ગ તથા પવનચકકીથી દિગ્વિજય પ્લોટ એટલે કે ઓશવાળ હોસ્પિટલ સુધીના માર્ગ પર ગેપની હારમાળાથી દરરોજ ચકકાજામના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો છાશવારે વાહન અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે.
ત્યારે શહેરના અમુક મુખ્ય માર્ગો પર ગેપ બુરવામાં રાજકીય અડચણ પણ કારણભૂત હોવાનું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. જેના કારણે શહેરીજનો ટ્રાફીક સમસ્યાથી રીતસર પીડાઇ રહ્યા છે. શહેરમાં ટ્રાફીકની સમસ્યા દૂષણ બની છે ત્યારે મુખ્ય માર્ગો પર માપદંડનો ઉલાળિયો કરી મનસ્વી અને અણધડ રીતે જે ગેપ મૂકવામાં આવ્યા છે તે અભિશાપ બન્યા છે અને ટ્રાફીક અને અકસ્માત સર્જી રહ્યા હોય યુઘ્ધના ધોરણે બિનજરૂરી ગેપ બુરવાનો સ્પષ્ટ મત શહેરીજનોએ વ્યકત કર્યો છે.
આટલું જ નહીં શહેરના બુઘ્ધીજીવી નાગરિકોએ જણાવ્યું છે કે, શહેરના ટ્રાફીકથી સતત વ્યસ્ત મુખ્ય માર્ગો પર મનફાવે તેમ મૂકાયેલા ગેપ આશીર્વાદના બદલે શ્રાપરૂપ બન્યા છે અને ટ્રાફીકની જટીલ સમસ્યા સર્જાતા ફાયર અને ઇમરજન્સી કેસમાં એમ્બ્યુલન્સ સેવામાં અવરોધ સર્જાતો હોય બુરી ટ્રાફીક સમસ્યા હળવી કરવી જરૂરી છે. ત્યારે શહેરીજનોના ગેપ બુરવાના સ્પષ્ટ મત બાદ મહાનગરપાલિકાના સતાધીશો અને અધિકારીઓ કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગશે કે કેમ તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application