BREAKING NEWS

અમદાવાદમાં ગરબાનું ડુપ્લીકેટ પાસ કૌભાંડ નકલી પાસ છાપનારા શખસો સામે ફરિયાદ

  • October 19, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર આયોજિત 'સંકલ્પ નગરી' ગરબા મહોત્સવમાં ડુપ્લિકેટ પાસનું કૌભાંડ સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આયોજકો દ્વારા નિશ્ચિત કરાયેલા ૮૦,૦૦૦ પાસ ઉપરાંત વિપુલ ભીમાણી નામના શખસે આયોજકોની જાણ બહાર બારોબાર વધારાના નકલી પાસ છાપીને ખેલૈયાઓને પધરાવી દીધા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. ગરબા ગ્રાઉન્ડમાં ક્ષમતા કરતાં વધુ ભીડ ઉમટી પડતાં આ સમગ્ર છેતરપિંડી બહાર આવી હતી. આ મામલે આયોજકોએ સરખેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરતા ૨૭ વર્ષીય દ્રુપદ હિમાંશુ ગાંધીએ તેમના મિત્રો ધીરજસિંહ રાઠોડ અને દક્ષ આચાર્ય સાથે મળીને સિંધુ ભવન રોડ પર ઔડાની જમીનમાં 'સંકલ્પ નગરી' નામે ગરબાનું વિશિષ્ટ આયોજન કર્યું હતું. આ દસ દિવસીય મહોત્સવ માટે તેઓએ 'આગમ ઝેરોક્ષ' નામના પ્રિન્ટિંગ પ્રેસમાંથી રોજના ૮,૦૦૦ પાસ લેખે કુલ ૮૦,૦૦૦ પાસ અધિકૃત રીતે પ્રિન્ટ કરાવ્યા હતા. જોકે, નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડમાં ક્ષમતા કરતાં વધુ ભીડ જોવા મળતાં આયોજકોને કૌભાંડની શંકા ગઈ હતી.શંકા જતાં આયોજકોએ ૧૬મી ઓક્ટોબરે તાત્કાલિક ધોરણે પાસની કલર અને ડિઝાઇન બદલી નાખી હતી તથા જૂના પાસ રદ કરીને પોતાની પાસે જમા કરી લીધા હતા. ૧૬મી ઓક્ટોબરની રાત્રે ગેટ પર સઘન ચેકિંગ દરમિયાન કેટલાક ખેલૈયાઓ રદ કરાયેલા જૂની ડિઝાઇનના પાસ સાથે પ્રવેશતા પકડાયા હતા. તેમની કડક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ પાસ વિપુલ ભીમાણી નામના શખસ પાસેથી મેળવ્યા હતા. ત્યારબાદ ૧૭મી ઓક્ટોબરે સિક્યોરિટી માટે નવેસરથી સ્ટીકર લગાવેલા પાસ બહાર પડાયા હોવા છતાં, ગેટ પરથી સ્ટીકર વગરના નકલી પાસ ધરાવતા અનેક લોકો પકડાયા હતા.આ સમગ્ર કૌભાંડમાં વિપુલ ભીમાણી તથા તેના અન્ય સહયોગીઓએ આયોજકોની ઓથોરિટી કે જાણ બહાર ગેરકાયદેસર રીતે વધારાના ડુપ્લિકેટ પાસ છાપીને તેનું વેચાણ કર્યું હતું. આ રીતે ખેલૈયાઓ અને આયોજકો બંને સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવતાં દ્રુપદ ગાંધીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરખેજ પોલીસે ગુનો નોંધીને આરોપી વિપુલ ભીમાણી અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે દરોડા પાડી તપાસ આગળ ધપાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application