કેનાલ રોડ ઉપર લક્ષ્મીવાડી હવેલી પાસે ખોદકામ વેળાએ ગેસની લાઇન તૂટી
કેનાલ રોડ ઉપર લક્ષ્મીવાડી હવેલી પાસે ખોદકામ વેળાએ ગેસની લાઇન તૂટી
November 10, 2025 02:47 PM
ગુજરાતીમાં કહેવત છે કે એક કરતા બીજી થાય, જેનો ભાવાર્થ એવો કે એક સમસ્યા ઉકેલવા જતા બીજી નવી સમસ્યા સર્જવી. રાજકોટ મહાપાલિકાના કોન્ટ્રાક્ટરો તો આ કહેવતને અવારનવાર સાર્થક કરતા રહે છે. દરમિયાન ગઇકાલે વોર્ડ નં.૧૪માં કેનાલ રોડ ઉપર લક્ષ્મીવાડીમાં આવેલી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની હવેલી નજીક મ્યુનિ. કોન્ટ્રાક્ટરે ડ્રેનેજ લાઇન નાખવા કરેલા ખોદકામ વેળાએ ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઇન તોડી નાખતા ગઇકાલે રવિવારે બપોરે અનેક ઘરોમાં ચુલા સળગ્યા ન હતા અને સમગ્ર વિસ્તારમાં દેકારો બોલી ગયો હતો.
વિશેષમાં લત્તાવાસીઓના જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના કામે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન જેસીબીની ઠોકર લાગી જતા ગેસની લાઇન પણ તુટી ગઇ હતી, રવિવારે બપોરે રસોઇના સમયે જ એકાએક ગેસ પુરવઠો ખોરવાઇ જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો, ગેસ કંપનીની ટીમે તત્કાલ રિપેરિંગ શરૂ કર્યું હતું. આમ છતાં રિપેરિંગ લાંબો સમય સુધી ચાલતા લગભગ દોઢેક કલાક સુધી ગેસ પુરવઠો બંધ રહ્યો હતો.